રાજકોટ જિલ્લા પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. કાયદા (પ્રિ-કન્સેપ્શન એન્ડ પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટિક ટેક્નિક્સ – પ્રોબિહિશન ઓફ સેક્સ સિલેક્શન એક્ટ)ની જિલ્લા સલાહકાર સમિતિની બેઠક જિલ્લા પંચાયત કચેરી ખાતે યોજવામાં આવી હતી. રાજકોટ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. આર. આર. ફુલમાળીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ગત ત્રિમાસિક ગાળામાં સમિતિ દ્વારા થયેલા કામોની સમીક્ષા કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ હેઠળ 600 કેન્દ્રો નોંધાયા હતા. જેમાંથી હાલ 359 કેન્દ્રો સક્રિય છે, 15 કેન્દ્રો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે 226 કેન્દ્રો હાલ બંધ છે. આ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન માટે નવી પાંચ અરજીઓ અને રિન્યૂઅલ માટેની બે અરજી મળીને કુલ સાત અરજીઓ આવેલી છે. જેમાંથી પાંચ રાજકોટ સિટીની છે જ્યારે એક ગોંડલ તથા એક પડધરીની છે. જેમાંથી ચાર અરજીઓમાં સ્થળ તપાસ થઈ ગઈ છે અને કામગીરી સંતોષકારક જણાતાં તેને મંજૂરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જ્યારે બાકીની ત્રણ અરજીઓમાં સ્થળ તપાસ પછી નિર્ણય લેવાશે.
જિલ્લા સલાહકાર સમિતિ દ્વારા ગત ત્રણ માસમાં રાજકોટ શહેર-જિલ્લાના તમામ 359 કેન્દ્રોની મુલાકાતો લઇને તપાસ કરવામાં આવેલી છે. જેમાં જાન્યુઆરી માસમાં 115, ફેબ્રુઆરીમાં 121 અને માર્ચમાં 123 કેન્દ્રોમાં જઈને તપાસ કરવામાં આવી છે. આ બેઠકમાં હાલમાં મવડીમાં પકડાયેલા ગેરકાયદે ગર્ભ પરીક્ષણના કિસ્સાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અને આરોપી મહિલાને મશીન આપનારા ડોક્ટર સહિતનાઓ સામે તપાસ ચાલુ હોવાનું જણાવાયું હતું. જિલ્લામાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટનો મજબુત અમલ થઈ રહ્યો છે અને જો કોઈ તેનું ઉલ્લંઘન કરે છે તો કડક શિક્ષાત્મક પગલાં લેવાની ખાતરી જિલ્લાનાં આરોગ્ય અધિકારીએ આપી હતી.