ચૈત્રી પૂર્ણિમા એટલે ભગવાન હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય દિવસ. આજે ચૈત્રી પૂર્ણિમા સાથે સાથે શનિવાર એટલે કે હનુમાનજી મહારાજનો દિવસ બન્ને સાથે આવતા આ દિવસને અતિ દુર્લભ અને લાભદાયી માનવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં હનુમાન જયંતીના આ પાવન દિવસે ભક્તો ભાવપૂર્વક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી છે અને ઠેર ઠેર હનુમાનજી મંદિરોમાં શણગાર તેમજ મહાકુંડી યજ્ઞ, ભવ્ય આરતી અને બટુક ભોજન થયા હતા.
ખાસ કરીને રાજકોટ શહેરની જનતા કે જેઓ હનુમાનજી મહારાજ ઉપર અપાર શ્રદ્ધા ધરાવે છે અને આજના દિવસની ભાવપૂર્વક ઉજવણી કરવામાં મસ્ત બન્યા હતા. રાજકોટ શહેરમાં તો દર 200 મીટરના અંતરે એક હનુમાનજી મંદિર જોવા મળે છે અને લગભગ આખા રાજકોટમાં 200 જેટલા હનુમાનજીના નાના મોટા મંદિરો અને ડેરી છે. એટલા જ માટે કદાચ મહાબલીની મહાનગરી તરીકે રાજકોટને ઓળખવામાં આવે તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી. તો વડોદરામાં વિવિધ મંદિરોમાં થીમ બેઝ ડેકોરેશન અને સુરતમાં 6 હજાર કિલો બુંદીના લાડુનો ભોગ ધરાવાયો હતો.