હાઇકોર્ટના કેસનું બહાનુ આગળ ધરી ગ્રાન્ટેડ લો કોલેજમાં પ્રિન્સિપાલની ભરતી અટકાવી દેવાઇ

ગુજરાત હાઇકોર્ટે તાજેતરમાં જ એક કેસની મુદ્દતમાં રાજ્ય સરકારને ગ્રાન્ટેડ લો કોલેજમાં વન પ્લસ એઇટમાં શું કરશો? તેવો સવાલ પૂછીને નેકસ્ટ મુદ્દતમાં એટલે કે આગામી 16મી એપ્રિલે જવાબ આપવા કહ્યું છે ત્યારે બીજીબાજુ રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગે જ ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રિન્સિપાલની ભરતીને હાઇકોર્ટના કેસના બહાને બ્રેક મારી દીધાની હકીકત પ્રકાશમાં આવી છે.

રાજ્યના ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા આશરે દોઢેક વર્ષ પૂર્વે ગુજરાતની આર્ટસ, કોમર્સ, સાયન્સ, લો અને એજ્યુકેશન ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રિન્સિપાલની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને લગભગ 135 જેટલી કોલેજોને એનઓસી આપવામાં આવ્યા હતા. જેમાં સ્ક્રુટીની પ્રક્રિયા લાંબો સમય ચાલ્યા બાદ ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીએ થોડા સમય પહેલા અમુક આર્ટસ, કોમર્સ તથા અન્ય કોલેજોમાં પ્રિન્સિપાલની ભરતી માટે ઇન્ટરવ્યૂ ગોઠવવા તારીખો આપી હતી જ્યારે ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રિન્સિપાલની ભરતી હાઇકોર્ટના કેસના બહાને અટકાવી દેવામાં આવી છે. એકતરફ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રિન્સિપાલો, અધ્યાપકોની ખાલી જગ્યાના મુદ્દે એનઓસી આપવામાં ક્વેરી કાઢ‌વામાં આવી રહી છે તેમજ ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ તાજેતરમાં વન પ્લસ એઇટમાં શું કરશો તેવો સવાલ ઉઠાવવામાં આવ્યો છે ત્યારે ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીએ લાંબા સમયથી અટકેલી ગ્રાન્ટેડ લો કોલેજની ભરતી પ્રક્રિયા યોજી હાઇકોર્ટ અને બીસીઆઇને તેનો અહેવાલ આપવાના બદલે ભરતી જ અટકાવી દેતા સરકાર બેધારું વલણ અપનાવી ગ્રાન્ટેડ લો કોલેજોને બંધ કરવાની વેતરણમાં તો નથી ને ? તેવો સવાલ ઉઠવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યની મોટાભાગની ગ્રાન્ટેડ લો કોલેજો પ્રિન્સિપાલવિહોણી છે અને તેમાં ઇન્ટરવ્યૂ માટે પણ ખુબ જ ઓછી સંખ્યામાં અરજીઓ આવી છે ત્યારે આ ભરતી પ્રક્રિયા યોજી પ્રિન્સિપાલોની ખાલી જગ્યા ભરવાના બદલે સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગે તેની ભરતી પ્રક્રિયા જ અટકાવી દેવાનો નિર્ણય કરતા ભારે આશ્ચર્ય ફેલાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *