આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ, પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખિલ અને કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડાની આગેવાનીમાં ગુજરાત પ્રદેશ સંગઠનની સૌરાષ્ટ્ર ઝોનની મીટિંગ યોજવામાં આવી હતી. આ મિટિંગમાં તમામ પ્રદેશના નેતાઓની સાથે સાથે રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોષી, રાજકોટ જિલ્લા પ્રમુખ તેજસ ગાજીપરા, શિવલાલ બારસિયા, રાજકોટ લોકસભા ઇન્ચાર્જ દિલીપસિંહ વાઘેલા, ગુજરાત પ્રદેશ મહિલા ઉપપ્રમુખ નિમિષાબેન ખૂંટ સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયએ પત્રકાર પરિષદમાં મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં માન્યતા હતી કે ગુજરાતીઓ કોઈ ત્રીજી પાર્ટીને અપનાવતા નથી, પરંતુ આમ આદમી પાર્ટીએ 40 લાખથી વધુ વોટ મેળવીને માન્યતાને ખોટી સાબિત કરી દીધી છે. લોકોએ આ સાથે જ સ્પષ્ટ સંદેશ આપ્યો કે આમ આદમી પાર્ટી ગુજરાતના લોકો માટે એક ઉમ્મીદની કિરણ છે. પાંચ સીટો પર અમારી જીત થઈ હતી અને 39 સીટો એવી હતી જેમાં અમે બીજા નંબરે રહ્યા હતા. આ સિવાય પણ બીજી અનેક સીટ ઉપર લોકો અમને ખૂબ જ મોટી સંખ્યામાં વોટ આપીને સમર્થન કર્યું હતું. જે જગ્યા પર થોડી ઘણી ખામી રહી ગઈ હતી તે ખામીને દૂર કરવા માટે અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે અમને જવાબદારી સોંપવામાં આવી છે. જેના ભાગરૂપે 8 તારીખે અમે ગુજરાત આવ્યા અને 9 તારીખે ગાંધીનગર ખાતે સંગઠનની મીટિંગ કરી, 10 તારીખે અમદાવાદમાં અનેક યુવાનો સાથે મીટિંગ થઈ અને આજે 11 તારીખના રોજ રાજકોટમાં કાર્યકર્તાઓ સાથે સંગઠનની મીટિંગ બોલાવવામાં આવી છે.