શહેરમાં નાણાવટી ચોક પાસેના આવાસ યોજનાના ક્વાર્ટરમાં ઘર પાસે વાહન પાર્કિંગ કરવાના પ્રશ્ને પાડોશી વચ્ચે લોખંડના પાઇપ,ધોકા વડે મારામારી થતા મહિલા સહિત બેને ઇજા થતા યુનિવર્સિટી પોલીસે સામસામે પાંચ શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
નાણાવટી ચોકમાં આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા અને રિક્ષા ચલાવતા તૌફિકભાઇ હનિફભાઇ હુનાણી (ઉ.30) તેના ઘર પાસે હતા ત્યારે પાડોશી ગોપાલ આહીર, તેની પત્ની મનીષાબેન અને એક અજાણ્યા શખ્સે ઝઘડો કરી કપડાં ધોવાના ધોકા વડે હુમલો કર્યો હતો જેથી દેકારો થતા તેની પત્ની વચ્ચે છોડાવવા જતા તેને પણ મારકૂટ કરી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. બનાવને પગલે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે સામા પક્ષે પાડોશમાં રહેતા મનીષાબેન ગોપાલભાઇ કનારા નામની મહિલા તેના ઘર પાસે હતી ત્યારે પાડોશી તૌફિક અને તેની પત્ની આયશાએ ઘરમાં ઘૂસી લોખંડના પાઇપ વડે હુમલો કર્યાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
તૌફિક તેની રિક્ષા લઇને બહારથી આવતા પાડોશી ગોપાલભાઇએ તેના ઘર પાસે રિક્ષા રાખી હતી જેથી તેની રિક્ષા લઇ લ્યો જેથી મારી રિક્ષા મારા ઘર પાસે રાખી શકું તેમ કહેતાં ઝઘડો થયો હોવાનું બહાર આવતા પોલીસે મનીષાબેન અને તૌફિકની ફરિયાદ પરથી બે મહિલા સહિત પાંચ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.