રાજ્યની ગ્રાન્ટેડ લો કોલેજોને ગત વર્ષે પણ નો એડમિશન ઝોનમાં મૂકવામાં આવતા ગરીબ અને મધ્યમ વર્ગના વકીલ બનવા માગતાં અને ખાનગી કોલેજોની તગડી ફી ન ભરી શકતા હજારો વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહ્યા હતા અને હાલમાં બીસીઆઇ અને ગ્રાન્ટેડ લો કોલેજોના સંચાલકો વચ્ચે પેનલ્ટી તથા અન્ય મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીની હૈયાધારણા બાદ પણ સતત બીજા વર્ષે પણ ગ્રાન્ટેડ લો કોલેજોમાં એડમિશનનો પ્રશ્ન અધ્ધરતાલ રહે તેવા સંકેતો મળી રહ્યા છે. નવા શૈક્ષણિક વર્ષમાં ગ્રાન્ટેડ લો કોલેજોમાં એડમિશન થશે કે પછી નો એડમિશન ઝોનમાં જ રહેશે? તેનો મદાર હવે 16મી એપ્રિલે થનાર હિયરિંગ પર છે.
ગ્રાન્ટેડ લો કોલેજના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતની ગ્રાન્ટેડ લો કોલેજોને ઇન્સ્પેક્શન ફી ઉપરાંત રૂ.3થી 3.50 કરોડ જેવી તગડી પેનલ્ટી ફટકારવામાં આવી છે, તેમજ અપૂરતા સ્ટાફ અને કોલેજોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર મુદ્દે પણ બીસીઆઇએ ક્વેરી કાઢી છે અને તે મુદ્દે છેલ્લા એકાદ વર્ષ કરતાં વધુ સમયથી હાઇકોર્ટમાં કાનૂની જંગ ચાલી રહ્યો છે. જેના પરિણામે વિદ્યાર્થીઓને ખૂબ જ ઓછી ફીમાં કાયદાનો અભ્યાસ કરાવતી અને વકીલ બનવામાં મદદરૂપ થતી ગ્રાન્ટેડ લો કોલેજોમાં ગત વર્ષે એડમિશન થયા ન હતા. જો હવે સતત બીજા વર્ષે પણ ગ્રાન્ટેડ લો કોલેજોને નો એડમિશન ઝોનમાં રખાય તો તમામ ગ્રાન્ટેડ લો કોલેજોને વિદ્યાર્થીઓની સંખ્યાના અભાવે બંધ કરવી પડે તેવી સ્થિતિ નિર્માણ પામવાની ભીતિ સેવાઇ રહી છે. અમુક ગ્રાન્ટેડ લો કોલેજના સંચાલકોએ તો પોતાની કોલેજને હવે ખાનગી લો કોલેજમાં કન્વર્ટ કરવા તૈયારી આરંભી દીધાનું પણ કહેવાય છે ત્યારે જો ગ્રાન્ટેડ લો કોલેજો બંધ થશે તો ગરીબ અને મધ્યમવર્ગના હોનહાર વકીલ બનવા માગતાં વિદ્યાર્થીઓનું સપનું રોળાઇ જશે તેમાં બેમત નથી. હાઇકોર્ટ દ્વારા ગત મુદતમાં ગુજરાત સરકારને પૂછ્યું છે કે, વન પ્લસ એઇટ ટીચિંગ સ્ટાફ ભરતીમાં શું કરશો તેનો જવાબ આપો અને બીજીબાજુ બીસીઆઇના વકીલને પણ કહ્યું છે કે, રૂલ્સ પૂછીને આવો કે કઇ રીતે સેટલમેન્ટ થઇ શકે તેમ છે. આ બન્ને મહત્ત્વના મુદ્દે હાઇકોર્ટ 16મીએ હિયરિંગ કર્યા બાદ પણ જો ચુકાદા પર ન આવે તો આગામી જૂનમાં પણ ગ્રાન્ટેડ લો કોલેજોમાં એડમિશન થવાની શક્યતા નથી.