વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે સરકારી-ગ્રાન્ટેડ અથવા નિયત સ્વનિર્ભર શાળાઓ પૈકીની માધ્યમિક શાળાઓમાં ધોરણ-9માં પ્રવેશ મેળવી ધોરણ-12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ‘મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના’ અમલી છે. જેમાં દર વર્ષે રાજ્યના 25 હજાર જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ આપવામાં આવે છે. આગામી તારીખ 12 એપ્રિલે રાજકોટમાં 116 કેન્દ્ર પર અંદાજિત 25 હજારથી વધુ વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા આપશે. મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને ધો.9 અને 10ના અભ્યાસ માટે વાર્ષિક 22 હજાર તેમજ ધોરણ 11-12ના અભ્યાસ માટે 25 હજારની સહાય મળશે.
ધોરણ-1થી 8માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ ધોરણ-8 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લઇ શકે છે. શિષ્યવૃત્તિ માટે પરીક્ષા દ્વારા પસંદ થયેલ વિદ્યાર્થીને સ્કોલરશિપનો લાભ ધોરણ 9થી શરૂ કરીને ધોરણ 12 પૂર્ણ કરે ત્યાં સુધી મળે છે. નિયત ધારાધોરણ મુજબની સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 9માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને ધોરણ 9થી 10નો અભ્યાસ કરવા માટે ચાર વર્ષ સુધી નાણાકીય સહાય આપવામાં આવે છે.