રાજ્યના મહેસૂલી કર્મચારીઓના પ્રશ્ન હલ કરવાની માગણી સાથે બુધવારે મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં માગણી કે મંજૂરી વિનાના જિલ્લા ફેરબદલીના હુકમો રદ કરવા, કારકુનોને નાયબ મામલતદાર તરીકે મહત્તમ જગ્યા પર પ્રમોશન આપવા સહિતના પ્રશ્નો હલ કરવાની માગણી કરવામાં આવી હતી. સમસ્યાના સમાધાન માટે 10 દિવસની મુદત આપવામાં આવી છે. જો નક્કી કરેલી સમય મર્યાદામાં નિર્ણય નહિ લેવાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
જિલ્લા કલેક્ટરને પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, નાયબ મામલતદારને પ્રમોશન આપવામાં આવે. તેમજ કેટલાક કિસ્સામાં નાયબ મામલતદારોની મંજૂરી વગર કે જિલ્લા ફેરબદલીના હુકમો કરેલ છે તે તમામ હુકમો રદ કરવા પણ માગણી ઉઠાવી છે. જે રીતે બદલી કરવામાં આવી છે તેના કારણે કર્મચારીઓના સામાજિક અને પારિવારિક જીવન પર અસર આવી શકે તેમ છે. તેમજ મહિલા કર્મચારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ છે. જો આ પ્રશ્ન હલ નહિ થાય તો કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે. તેમજ માસ સીએલની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.