માધાપર બસસ્ટોપ ફરી શરૂ, જામનગર,મોરબી, ભુજ જવા એસટી બસ મળશે

માધાપર ચોકડી ખાતે આવેલા અને છેલ્લા છ મહિનાથી બંધ હાલતમાં રહેલા માધાપર બસસ્ટોપને ફરી શરૂ કરાયું છે. અત્યાર સુધી આ બસ સ્ટેન્ડ બંધ હાલતમાં હોવાથી મુસાફરોએ બસસ્ટોપની બહાર તડકામાં ઊભું રહેવું પડતું હતું, પરંતુ હવે બુધવારથી આ બસસ્ટોપ શરૂ કરી દેવાતા આકરી ગરમીમાં લોકોને રાહત મળશે અને તડકામાં ઊભું રહેવું નહીં પડે. માધાપર બસસ્ટોપ શરૂ થવાથી રાજકોટથી ભુજ, જામનગર અને મોરબી જવા માટેની બસ યાત્રિકોને અહીંથી મળશે. માધાપર બસસ્ટોપ ઉપર હવે દરરોજ 160થી વધુ બસની અવર-જવર થશે અને લોકોને જે-તે રૂટ ઉપર જવા બસની સુવિધા મળશે.

અગાઉ ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિના આગેવાનોએ લાંબા સમયથી રાજકોટના જામનગર રોડ પર આવેલ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર સંચાલિત માધાપર ચોક એસ.ટી. બસસ્ટોપ દારૂડિયા, લુખ્ખાઓ અને અસામાજિકોનું આશ્રયસ્થાન બન્યું હોવાની તેમજ લાખોના ખર્ચે બનાવાયેલા આ બસસ્ટોપને ફરી શરૂ કરવા અને મુસાફરોને પડતી હાલાકી દૂર કરવા અંગે રજૂઆત કરી હતી. જેના પગલે બુધવારથી આ બસસ્ટોપ શરૂ કરી દેવાયું છે. હવેથી રાજકોટથી ભુજ, મોરબી અને જામનગર તરફ જવા માટે યાત્રિકોને અહીંથી બસનો લાભ મળશે. રાજકોટ એસ.ટી.ના વિભાગીય નિયામક જે.બી.કરોતરાએ જણાવ્યું હતું કે, આકરી ગરમીમાં યાત્રિકોને રોડ પર ઊભું રહેવું પડતું હતું. લોકોની મુશ્કેલી દૂર કરવા માધાપર બસસ્ટોપ ફરી શરૂ કરી દેવાયું છે. હવે અહીં રોજની 160 બસ આવન-જાવન કરશે.

બસપોર્ટમાં યાત્રિકોને છાશ અને ORS વિતરણ જિલ્લામાં ગરમીની ઋતુમાં મુસાફરોને રાહત આપવા માટે રાજકોટ એસ.ટી. વિભાગે નવતર પહેલ કરી છે. યાત્રિકો માટે બસપોર્ટમાં વિનામૂલ્યે છાશ અને ઓઆરએસનું વિતરણ શરૂ કરાયું છે. જિલ્લાના તમામ એસ.ટી. ડેપો પર વિનામૂલ્યે છાશ વિતરણ શરૂ કરાયું છે. વિભાગીય નિયામક જે.બી.કરોતરાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલનો મુખ્ય હેતુ મુસાફરોને ગરમીથી રાહત આપવાનો અને લૂની અસરથી બચાવવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *