શહેરમાં કાલાવડના શિશાંગ ગામે રહેતા અને મેટોડા જી.આઇ.ડી.સી.માં આઇ.એસ.કે. ઓટો ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં બે વર્ષથી ઇકો કારનું ડ્રાઇવિંગ કામ કરતા રામદેવસિંહ અશોકસિંહ જાડેજાએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે તેના ગામમાં રહેતા રાજકુમાર ઉર્ફે કુમાર યુવરાજસિંહ ઉર્ફે ઘનુભા જાડેજા અને બે અજાણ્યા શખ્સના નામો આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, સોમવારે તેને બેંકનું કામ હોય તેના પિતા સાથે કારમાં મોટા વડાળા ગામે ગયા હતા અને ત્યાંથી કામ પતાવી પરત આવતા હતા ત્યારે તેના ગામમાં રહેતો રાજકુમાર ઉર્ફે કુમાર યુવરાજસિંહ જાડેજાએ તેની કાર પર કાર નાખી હતી.
દરમિયાન રામદેવસિંહે ફોન કરી મારી ગાડી પર તારી ગાડી કેમ નાખે છે, મારી સાથે આવી મસ્તી ન કરતો, તેમ કહેતા તે ઉશ્કેરાયો હતો અને ગાળો આપવા લાગ્યો હતો અને હું હમણા મેટોડા આવું છું. તેમ કહી ધમકી આપતા તેને ફોન કાપી નાખ્યો હતો અને તેના પિતાને ઘેર ઉતારી મેટોડા ગયા હતા.બાદમાં કુમારએ ફોન કરી હું મેટોડા આવી ગયો છું તું ક્યાં છે. હું ગેટ નં.2 પર તારી વાટ જોઇને ઊભો છું. તારે આવવું ન હોય તો તારી કંપનીનું એડ્રેસ આપ હું ત્યાં આવું કહી ધમકી આપી હતી. જેથી તેને કંપનીમાં કામ પતાવી તેના કાકાના પુત્ર પ્રદીપસિંહ હરપાલસિંહ જાડેજાને વાત કરતા તે ત્યાં આવે છે, તેમ કહ્યું હતું ત્યાર બાદ તે જીઆઇડીસી ગેટ નં.2 પર જતા હતા ત્યારે તેને કુમારે આંતરી ઝઘડો કર્યો હતો અને તે ફોનમાં શું બોલતો હતો મારી સાથે મસ્તી કરવી નહીં એમ હવે તો કાર માથે ચડાવી દઇશ ક્યાંય ખોવાઇ જઇશ કોઇને ખબર નહીં પડે કહી મારામારી કરી હતી. બાદમાં તેના કાકાનો પુત્ર પ્રદીપસિંહ આવી જતા તેને ઝઘડો નહીં કરવા માટે સમજાવવા જતા બે અજાણ્યા શખ્સોએ કારમાંથી ધારિયું કાઢી હુમલો કરી નાસી ગયા હતા. દરમિયાન બન્ને પિતરાઇ ભાઇઓને ગંભીર હાલતમા઼ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું જણાવતા પીઆઇ શર્મા સહિતે હત્યાની કોશિશ સહિતનો ગુનો નોંધી આરોપી રાજકુમારસિંહ,તેમજ મોટા વડાળા ગામે રહેતો અબ્બાસ અકબરભાઇ મુલતાની અને આરિફ અકબરભાઇ કાજીની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી છે.