ધોરણ 3થી 8ના શિક્ષકોને બાળ મનોવિજ્ઞાન અને સ્માર્ટ ક્લાસના શૈક્ષણિક ઉપયોગની ટ્રેનિંગ અપાશે

રાજ્યભરની શાળાઓમાં આગામી દિવસોમાં નવું સત્ર શરૂ થાય તે પહેલાં ધોરણ 3થી 8ના શિક્ષકોને વિશેષ તાલીમ આપવાનું આયોજન કરાયું છે. વર્ગખંડમાં સ્માર્ટ ક્લાસનો શૈક્ષણિક ઉપયોગ, બાળ મનોવિજ્ઞાન સહિતના મુદ્દે શિક્ષકોને ઓનલાઈન માધ્યમથી તાલીમ આપવામાં આવનાર છે.

આ અંગે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યને પરિપત્ર કરીને ધો.3થી 8ના શિક્ષકોને જુદા જુદા વિષયની ઓનલાઈન તાલીમ ફરજિયાત લેવા સૂચના આપી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત શિક્ષકોને વધુ સક્ષમ બનાવવા, વર્ગખંડમાં ગુણવત્તા લાવવા અને સમસ્યાનો ઉકેલ લાવવા માટે આ તાલીમનું આયોજન કરાયું છે.

રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનને કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, વર્ગખંડ શૈક્ષણિક કાર્ય ગુણવત્તાસભર બને, શિક્ષકો વર્ગખંડમાં ઇનોવેટિવ પેડાગોજીનો અને એજ્યુકેશનલ ટેક્નોલોજીનો ઉપયોગ કરતા થાય તે માટે ધોરણ 3થી 8ના શિક્ષકોની તાલીમનું આયોજન કરાયું છે.

શિક્ષકો ઇનોવેટિવ પેડાગોજીનો ઉપયોગ વર્ગખંડ શિક્ષણમાં કરી તેઓની વર્ગખંડ શિક્ષણની સમસ્યાઓનો ઉકેલ મેળવે તે ઉદ્દેશથી જીસીઇઆરટી દ્વારા બીજા સત્રમાં મોડ્યુલ-3 દ્વારા શિક્ષક સજ્જતાના પાંચ ઓનલાઇન કોર્સ દ્વારા દ્વિતીય સત્રની શિક્ષક તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણનીતી અંતર્ગત આવેલા બદલાવને ધ્યાનમાં રાખીને શિક્ષકો માટે આ તાલિમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *