રાજકોટ મનપાની વેસ્ટ ઝોન કચેરીના ટીપી શાખાનો સ્ટાફ ફરજ પર ગેરહાજર રહેતો હોવાની વ્યાપક ફરિયાદો મળતા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ વેસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનિંગ શાખામાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. જેમાં કચેરીનું કામકાજ શરૂ થયાના એક કલાક બાદ પણ એક ડેપ્યુટી ઇજનેર અને ક્લાર્ક ફરજ પર ગેરહાજર હોવાનું બહાર આવતા બન્નેને શો-કોઝ નોટિસ ફટકારવાનો હુકમ કરાયો છે.
રાજકોટ મનપાના સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર મહાનગરપાલિકાની વિવિધ કચેરીઓ સ્ટાફની અનિયમિતતા અને વગર રજાએ ગેરહાજર રહેતા હોવાની વ્યાપક ફરિયાદો મ્યુનિસિપલ કમિશનર સુધી પહોંચી હતી. આથી મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ મંગળવારે સવારે સૌ પ્રથમ વોર્ડ નં.11ની વોર્ડ ઓફિસની મુલાકાત કરી હતી અને ત્યારબાદ ત્યાંથી નાનામવા આરોગ્ય કેન્દ્રમાં ચેકિંગ કર્યું હતું અને છેલ્લે વેસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનિંગ શાખામાં અચાનક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં ડેપ્યુટી ઇજનેર હર્ષદ પરમાર અને ક્લાર્ક જ્યોત્સના ડોબરિયા કચેરીમાં હાજર ન હતા અને તપાસ કરતા તેઓ ફિલ્ડમાં પણ ગયા ન હતા., તેમજ તેમનો રજા રિપોર્ટ પણ કચેરીમાં મૂકવામાં ન આવ્યાનું ખૂલતા તેમને શો-કોઝ નોટિસ ફટકારવાનો હુકમ કરી મ્યુનિસિપલ કમિશનર ત્યાંથી તુરંત રવાના થઇ ગયા હતા. મ્યુનિસિપલ કમિશનરની સરપ્રાઇઝ વિઝિટમાં અમુક સ્ટાફ તેમને ઓળખી ન શકતા અરજદાર સમજીને ટ્રીટ કરી રહ્યા હતા, પરંતુ સિનિયરોને મ્યુનિસિપલ કમિશનર આવ્યાની જાણ થતાં જ દોડધામ થઇ પડી હતી.