સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી વચ્ચે રાજકોટમાં મંગળવારે સતત બીજે દિવસે તાપમાન 44 ડિગ્રીએ પહોંચ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં 10 એપ્રિલ સુધી હીટવેવની અસર રહેશે ત્યારબાદ ગરમીમાં થોડી રાહત મળશે. રાજ્યમાં મંગળવારે પણ મોટાભાગના શહેરોમાં સામાન્ય કરતા 1થી 5 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું હતું. આગામી 48 કલાકમાં રાજ્યના તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નહીંવત છે. ત્યારબાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થશે. હીટવેવથી બચવા વધુ માહિતી માટે રાજ્ય સરકાર દ્વારા 1077 હેલ્પલાઇન પણ જાહેર કરી છે.
રાજકોટમાં સોમવારે જાણે અગનવર્ષા થઇ રહી હોય એમ તાપમાનનો પારો 44.2 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો ગરમીમાં અકળાઈ ગયા હતા. એપ્રિલ મહિનાનો રાજકોટનો રેકોર્ડ તપાસીએ તો સોમવારે જે 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું તે છેલ્લા 10 વર્ષના ચોથા હાઈએસ્ટ તાપમાનનો રેકોર્ડ સર્જાયો હતો. શહેર, નગર અને ગામડાંમાં 12 વાગ્યા પછી જાણે કર્ફ્યૂ લાગી જતો હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે. ઉનાળાની ઋતુમાં હીટ સ્ટ્રોકના જોખમ સામે સજ્જ રહેવા અને ગરમીથી બચવાના સંદર્ભમાં શહેરના આરોગ્ય વિભાગ, રાજકોટ મહાનગરપાલિકા, શિક્ષણ વિભાગ દ્વારા જાહેર જનતાને હીટવેવથી બચવા માટે શું કરવું અને શું ન કરવું? તે અંગેની માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. હીટવેવને પગલે શાળાઓનો સમય પણ સવારનો કરવા માટે કલેક્ટરે આદેશ આપ્યા છે.