રાજકોટમાં સરકારી જગ્યા પર ગેરકાયદેસર ઝૂંપડું બાંધી દારૂનો ધંધો કરતી મહિલા બૂટલેગર પંખુ વેરસીંગ સોલંકીના ઝૂંપડા અને ધાર્મિક દબાણને હટાવી બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. મહિલા બૂટલેગર સામે 20 જેટલા પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે. જ્યારે પોલીસ દબાણ હટાવવા પહોંચી ત્યારે પોલીસ અને મહિલા બૂટલેગર વચ્ચે ઝપાઝપીનાં દૃશ્યો સર્જાયાં હતાં. જ્યારે દબાણ હટાવતા સમયે ઝૂંપડામાંથી દારૂ ભરેલો કોથળો મળી આવતા પોલીસે વધુ એક ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.
દબાણ દૂર ન કરતા બુલડોઝર ફેરવી દેવાયું રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વાવડી પોલીસ ચોકીથી નજીક સરકારી જગ્યા ઉપર દબાણ કરી જુદાં જુદાં ઝૂંપડાં બનાવી અંદર જ દેશી દારૂનું વેચાણ કરવામાં આવતું હતું. આ દારૂનું વેચાણ મહિલા બૂટલેગર પંખુ વેરસીંગ સોલંકી દ્વારા કરવામાં આવી રહ્યું હતું. જેથી પોલીસે તેને નોટિસ પાઠવી આ દબાણ દૂર કરવા સૂચના આપી હતી, પરંતુ દબાણ દૂર કરવામાં ન આવતા આજે રાજકોટ તાલુકા પોલીસ દ્વારા મામલતદાર તેમજ પીજીવીસીએલ ટીમને સાથે રાખી બુલડોઝર ફેરવી દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
મહિલા બૂટલેગર પંખુ વિરુદ્ધ પ્રોહિબિશનના 20 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. તેમજ પાછલી લોકસભાની ચૂંટણી સમયે પણ તેના વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે તેનો પરિવાર લૂંટના ગુનામાં પણ સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. પોલીસ જ્યારે ડિમોલિશન કરવા પહોંચી ત્યારે પણ ઝૂંપડામાં અંદરથી દેશી દારૂની પોટલીઓ ભરેલો કોથળો મળી આવ્યો હતો. જે કબજે કરી અલગથી ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.