હરિધવા રોડ પર પુરુષાર્થ સોસાયટીમાં રહેતા પાર્થ ધીરુભાઈ કાકડીયા (ઉ.વ.32) નામના યુવાને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અજયસિંહ જાડેજા તથા તેની સાથે પાંચ અજાણ્યા શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રિના જમીને તે બાઈક લઇ રંગીલા સોસાયટીના ખૂણે આવેલી ક્રિષ્ના પાન નામની દુકાને માવો ખાવા માટે ગયો હતો. બાદમાં અહીં વાહનની ઘોડી ચડાવી તેના પર બેઠો હતો. દરમિયાન આશરે રાત્રિના 10:30 વાગ્યા આસપાસ છ શખ્સો અહીં ધસી આવ્યા હતા. જેમા અજયસિંહ તથા તેની સાથે પાંચ અજાણ્યા શખ્સો હતા તેમણે યુવાન પર ધોકા વડે હુમલો કર્યો હતો. બાદમાં આરોપી નાસી છૂટ્યા હતા. યુવાન પર હુમલો થયાની જાણ તેના પરિવારજનોને થતા તુરંત દોડી આવ્યા હતા અને ત્યારબાદ 108 મારફત યુવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને જમણા પગમાં અને જમણા હાથમાં ફ્રેક્ચર થયાનું માલુમ પડ્યું હતું તેમજ કપાળ પર પણ ઈજા થતાં 3% આવ્યા હતા.
યુવાને પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, ચારેક દિવસ પૂર્વે અજયસિંહના મિત્ર ધર્મેશના મિત્રએ યુવાનની ધર્મની માનેલી બહેનની છેડતી કરી હોય જે બાબતે અજયસિંહ વચ્ચે પડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં આ મામલે બંને પક્ષ વચ્ચે ઘરમેળે સમાધાન થઈ ગયું હતું. દરમિયાન આ વાતનો ખાર રાખી અજયસિંહ તથા તેની સાથે પાંચ શખસોએ યુવાન પર રાત્રિના હુમલો કરી તેના હાથપગ ભાંગી નાખ્યા હતા. જે મામલે યુવાનની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.