રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા યુ.એસ.ડોલર આપવાના નામે ઓનલાઇન 5.07 લાખ પડાવી લઇ ફ્રોડ કરનાર બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓએ મની ફોરેક્ષ નામની કંપનીની ખોટી ઓળખ ઉભી કરી ફરીયાદીને કૂલ યુ.એસ. ડોલર 5,900 આપવાના નામે 5.07 લાખ પડાવી લઈ યુ.એસ. ડોલર નહિં આપી ફરીયાદી સાથે છેતરપિંડી કરી ગુનો કર્યો હોવા અંગે પોલીસ સ્ટેશનમાં નોંધાતા બેંક ખાતાની વિગત મંગાવતા ખાતા ધારકનું નામ સાહીલ નંદકિશોર નથાણી (ઉ.વ.23) હોવાનું તથા તેમના ખાતામાંથી આગળના ખાતામાં રૂપિયા જમા થયેલ હતા જેનું નામ જીતેન્દ્ર અશોકભાઈ બસંતવાણી (ઉ.વ.34) હોવાનું સામે આવતા મહારાષ્ટ્ર ખાતે પહોંચી બન્ને આરોપીઓને ઝડપી પાડી ધરપકડ કરી નામદાર કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.
અન્ય બનાવમાં રાજકોટ જિલ્લાના પડધરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો સહિતના ગુનાના બે આરોપીને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. પડધરી પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.એન.પરમારની યાદીમાં જણાવાયા પ્રમાણે, પોક્સો સહિતની કલમોના આરોપી ચંદનકુમાર રામુભાઈ કુશવાહ તથા સૌરભસિંગ લખનસિંગ તોમર જામીન પર છૂટ્યા પછી અવારનવાર સમન્સ છતાં હાજર થતા નથી અને છુપાતા ફરે છે. આથી રાજકોટના બીજા એડિ. જજ પી.જે.તમાકુવાલા તથા બીજા એડિ. ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટ દ્વારા બંને આરોપીને ફરાર જાહેર કરવામાં આવ્યા છે.