શહેરમાં સાધુ વાસવાણી રોડ પર જનકપુરી કોમ્પ્લેક્સની સામે આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા અને લક્ષ્મી સોસાયટી પાસે કેટરિંગના ધંધો કરતો મનીષ ગોવિંદભાઇ સોલંકી નામનો યુવક માધાપર ચોકડી પાસે તેના મિત્ર સાથે હતો ત્યારે તેનો મિત્ર રવિ ઉર્ફે ભાણો ત્યાં આવીને અગાઉના મોટરસાઇકલના ઝઘડાનો ખાર રાખી ઝઘડો કરી છરી બતાવી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ગાળો આપી નાસી ગયો હતો. દરમિયાન મનીષે ફરિયાદ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ વારોતરિયા સહિતના સ્ટાફે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
શહેરમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે બંધ કારખાનાના તાળાં તોડી તસ્કરો રૂ.1.26 લાખની કિંમતની 36 પ્લેટની ચોરી કરી ગયાની ફરિયાદના આાધારે બી.ડિવિઝન પોલીસે ગુનો નોંધી તસ્કરોને પકડી લેવા કાર્યવાહી કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જસદણના વીરનગરમાં રહેતા અને ગ્રીનલેન્ડ ચોકડી પાસે પ્લેટિંગનું કારખાનું ચલાવતા સાહિલભાઇ પરસોત્તમભાઇ રાદડિયા તા.2-4ના રોજ સાંજે કારખાનું બંધ કરી તા.3ના રોજ સવારે તેના કારખાને આવ્યા હતા.
દરમિયાન કારખાનાનો ડેલો ખુલ્લો હતો તપાસ કરતા કારખાનાના તાળાં તૂટેલા હોય અને કારખાનામાંથી રૂ.1.26 લાખની કિંમતની કોપરની 36 પ્લેટ ગાયબ હોય શોધખોળ બાદ નહીં મળતા કોઇ ચોરી કરી ગયાની ફરિયાદ કરતાં પીએસઆઇ પીઠિયા સહિતે ગુનો નોંધી તસ્કરોને પકડી લેવા કાર્યવાહી કરી છે.