રાજકોટમાં આગામી તારીખ 13 એપ્રિલને રવિવારે કમ્બાઇન ડિફેન્સ સર્વિસ એક્ઝામિનેશનની પરીક્ષા લેવાનાર છે. રાજકોટ જિલ્લામાં ત્રણ કેન્દ્રો પરીક્ષા માટે નક્કી કરવામાં આવી છે જેમાં અંદાજિત 800થી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના છે. રાજકોટમાં આ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય તે માટે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
એનડીએ (નેશનલ ડિફેન્સ એકેડમી) અને સીડીએસ (કમ્બાઈન ડિફેન્સ)ની પરીક્ષા માટે સંભવત: કણસાગરા કોલેજ, સદગુરૂ કોલેજ અને કેન્દ્રીય વિદ્યાલય એમ ત્રણ સેન્ટરો પરથી આ પરીક્ષા લેવામાં આવનાર છે. આ બન્ને પરીક્ષામાં સવારના 9થી 11 અને 12.30થી 2.30 તેમજ 4થી 6 કલાક દરમિયાન પેપર લેવામાં આવનાર છે. પરીક્ષા દરમિયાન ચોરી અને ગેરરીતિના બનાવો ન બને તે માટે ખાસ પ્રબંધો કરવામાં આવેલ છે.
યુપીએસસી દ્વારા જાહેર કરેલા નોટિફિકેશનમાં જણાવ્યું છે કે ઉમેદવારોને પરીક્ષા પરિસરમાં કોઈપણ કિંમતી વસ્તુઓ, મોબાઈલ ફોન, સ્માર્ટ/ડિજિટલ ઘડિયાળ, અન્ય આઈ.ટી ગેજેટ્સ, પુસ્તકો, બેગ વગેરે સાથે પ્રવેશવાની મંજૂરી અપાશે નહીં.
ઉમેદવારોને પ્રતિબંધિત વસ્તુઓ ન લાવવાની સલાહ આપવામાં આવે છે કારણ કે સ્થળ સુપરવાઈઝર આ વસ્તુઓ સ્થળ પર રાખવા માટે કોઈ વ્યવસ્થા કરશે નહીં. ઉમેદવારોને પરીક્ષા આપવા માટે પરીક્ષા ખંડમાં કાળી પેન લાવવાની પણ સલાહ આપવામાં આવે છે.