રાજકોટના એરપોર્ટ રોડ ઉપર રહેતા અને નવાગામ ખાતે ઓટો પાર્ટ્સનું વેરહાઉસ ધરાવતા કૃણાલભાઈ જયંતીભાઈ ચાંદ્રા સાથે શેર બજારમાં ટીપ્સ આપવાના બહાને રૂપિયા 96.96 લાખની છેતરપિંડી આચરવા અંગે સાયબર ક્રાઈમ પોલીસમાં ત્રણ ખાતાધારકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ગુનામાં સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ખાતા નંબર આધારે તપાસ હાથ ધરી આ ગુનામાં ભાવનગરના રાજુ સોલંકી, યુવરાજ મોરી, કિશોર ઉલવા અને વિજય ધનવાણીયાની ભાવનગરથી ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં ચારેયના ખાતાના ઉપયોગ થયો હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે પોલીસે ટેકનિકલ સોર્સથી તપાસ કરી બનાવમાં વધુ એક આરોપી મોહમ્મદહનીફ ઈશમાઈલ મિયાની અમદાવાદથી ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે.
આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લેવાયા રાજકોટ સાયબર ક્રાઇમ પીઆઇ જે. એમ. કૈલા અને ટીમ દ્વારા ટેક્નિકલ સોર્સીસના આધારે 96.96 લાખના ફ્રોડ કેસમાં અમદાવાદના વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જે આરોપીને રીમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા એક દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવતા પોલીસે શખસની વધુ પૂછતાછ હાથ ધરી છે. આરોપી મોહમ્મદહનીફ ઈશમાઈલ મિયા સૌરાષ્ટ્રભરમાંથી બેંક એકાઉન્ટ એકઠાં કરી મુખ્ય સૂત્રધારને મોકલતો હતો. જે માટે તેને 3 ટકા કમીશન મળતું અને તેમાંથી એકાઉન્ટ ધારોકોને પણ રૂપિયા આપતો હોવાની કબુલાત આપતા પોલીસે મુખ્ય સુત્રધારને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.