ગુજરાતમાં વેપારીઓ રાત-દિવસ મહેનત કરી ધંધા-રોજગાર ચાલુ રાખી પોતાના પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા 24 કલાક હોટલ, રેસ્ટોરન્ટ અને લારી-ગલ્લા ખુલ્લા રાખવા છૂટ આપવામાં આવી છે. આ જ વાતને ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય સાહેબે પણ સ્પષ્ટતા પૂર્વક કહ્યું હતું કે, રાત્રિના સમયે ગુજરાતના નાગરિક હરી-ફરી શકે, ધંધા-રોજગાર સારી રીતે ચલાવી શકે તેની જવાબદારી મારી પોતાની છે. આવા સમયે હાલમાં છેલ્લા એકાદ સપ્તાહથી રાજકોટમાં રાત્રિના સમયે 12 વાગ્યા પછી ધંધો નહિ કરી શકાય તેવી અફવાઓ થઇ રહી છે. જો કે, આ બાબતે કોઈ સ્પષ્ટતા ન હોવાથી વેપારીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે. માટે આ બાબતે આજે કોંગ્રેસનું ડેલિગેશન રાજકોટ શહેર પોલીસ કમિશનરને રાતે 12 વાગ્યા બાદ વેપાર-ધંધા ચાલુ રાખવા બાબતે સ્પષ્ટતા કરવા રજૂઆત કરી હતી અને નાના વેપારીઓની વ્યથાઓ ધ્યાને દોરી હતી.
પોલીસની દબંગાઈના CCTV સાથે CPને રજૂઆત કોંગ્રેસ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતએ જણાવ્યું હતું કે, રાજકોટના નાના વેપારીઓ દ્વારા અમને રજૂઆત કરવામાં આવી હતી કે પોલીસ દ્વારા અમને હેરાનગતિ કરવામાં આવી રહી છે. રાત્રિના 12 વાગ્યે આવીને બંધ કરાવવામાં આવે છે. કોઈ જાહેરનામું ન હોવા છતાં કેટલીક જગ્યાએ નાના વેપારીઓને પોલીસ કનડગત કરે છે. પૂરપાટ ઝડપે પીસીઆર વાન ચલાવી દબંગાઈ કરે છે. તેમજ ચાની હોટલે આવી દૂધમાં લીંબુ અને સગડીમાં પાણી નાખી ચીજ-વસ્તુઓને નુકશાન પહોંચાડી રહ્યા છે. જે સીસીટીવી ફૂટેજના પુરાવા સાથે અમે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે.