રાજકોટ પોલીસે PGVCL સાથે મળી દારૂના ધંધાર્થીને ત્યાં તપાસ, 20 કનેક્શનમાં વીજ ચોરી ઝડપી જોડાણ કાપ્યા

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા વારંવાર ગુના આચરતા ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી, જેના પગલે રાજકોટ શહેર પોલીસ દ્વારા અવારનવાર દારૂના ગુના આચરતા શખ્સોના ઘરે વીજ કનેક્શન બાબતે તપાસ કરવા પીજીવીસીએલની ટીમને જાણ કરી માલવિયાનગર પોલીસની રાહબરીમાં અલગ અલગ ટીમો બનાવી પીજીવીસીએલના સ્ટાફ સાથે રહી કેકેવી હોલ પાછળ મફતિયાપરામાં અવારનવાર ગુના આચરતા 10 શખ્સોના મકાનના વીજ કનેક્શન ચેક કરાવતા 4 જગ્યાએ વીજ જોડાણમાં ગેરરીતિ સામે આવતા વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય છ સ્થળોએ વીજ ચોરી સામે આવતા પીજીવીસીએલ ટીમ દ્વારા ત્રણ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે યુનિવર્સીટી પોલીસ ટીમે રૈયાધાર તેમજ રૈયાગામમાં રહેતાં દારૂના ધંધાર્થીના મકાનના વીજ કનેક્શન ચેક કરવામાં આવતાં 10 શખ્સોના વિજ કનેકશન ગેરકાયદેસર મળી આવતાં પીજીવીસીએલની ટીમે તમામના વિજ જોડાણ કાપી નાંખવામાં આવ્યાં હતાં. જ્યારે તાલુકા પોલીસ ટીમે નાનામવા અને મોટા મવા વિસ્તારમાં દારૂના ધંધાર્થીઓના ગેરકાયદેસર વીજ જોડાણ ચેક કરવાની કામગીરી શરૂ કરી હતી.

અન્ય બવાનમાં રાજકોટ તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતાં ત્યારે કાલાવડ રોડ પર મોટા મવા અમરનાથ પાર્ક રેઇનબો સિટી 2માં ત્રીજા માળે ફ્લેટ નંબર 302માં પ્રવિણ સંઘાણી ભાડેથી રહે છે અને તેઓ બહારથી માણસો બોલાવી નાણા ઉઘરાવી તીનપતીનો જુગાર રમાડે છે અને હાલ જુગાર અડ્ડો ચાલુ છે તેવી ચોકકસ બાતમી મળતાં સ્ટાફે દરોડો પાડી ફ્લેટની અંદર એક રૂમમાં માણસો તીનપતીનો જુગાર રમતા હતાં. પોલીસે તમામ આરોપીને અટકમાં લઈ નામ પૂછતાં ફ્લેટ ધારકે પોતાનું નામ પ્રવિણ હંસરાજ સંઘાણી હોવાનું જણાવ્યું હતું. જ્યારે જુગાર રમતાં ભાવેશ પ્રવિણ પારજીયા, ભરત ગોરધન સવસાણી, શાંતીલાલ ગોવિદ ફેફર, મનોજ દામજી દલવાડીયા, રોહીત ત્રીભોવન બાવરવા, સંજય આબુ જીવાણી અને પુનિત માવજી કૈલાની ધરપકડ કરી રોકડ રૂ. 10.80 લાખ, એક કિયા કાર અને નવ મોબાઈલ મળી કુલ રૂ. 18.73 લાખનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી. જુગારીઓ મોટા ભાગના બહાર ગામના હોય જેથી અહીં તેઓને જુગારી પુનીત કૈલા પોતાની કારમાં અન્ય જુગારીઓ લઈ આવતો હતો. તેમજ ફ્લેટ ધારકે પોતાના ફ્લેટમાં બીજી વખત જુગાર કલબ બેસાડી હતી અને એક ગેમના રૂ. 1 હજાર નાલ ઉઘરાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *