ગુજરાત ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ફોરમના નેજા હેઠળ માંગ કરવામાં આવી છે કે, કાર્ડ હેઠળ દર્દીઓને કાર્ડિયોલોજીની જે સારવાર મળે છે તે સારવારના દરમાં છેલ્લા દશ વર્ષથી કોઇ વધારો થયો નથી જ્યારે દર્દીઓની સુવિધા અને ખર્ચમાં વધારો થઇ રહ્યો છે આ સંજોગોમાં રાજ્ય સરકારે કાર્ડિયોલોજીના પેકેજમાં સુધારો કરવો જોઇએ.
ફોરમની યાદીમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, પીએમજેવાયનો હેતુ આરોગ્ય સંભાળ સુલભ બનાવવાનો છે, પરંતુ આર્થિક વાસ્તવિકતાઓ સારવાર ખર્ચની હકીકતને અવગણીને નક્કી કરાયેલા દર બાધારૂપ બની રહ્યા છે. વર્ષ 2015માં મા યોજના હેઠળ પીસીઆઇ માટે મળતાં રૂ.45 હજારનો દર હવે પીએમજેવાય હેઠળ ફક્ત રૂ.50800 કરવામાં આવ્યા છે જે માત્ર 1.22 ટકાનો વાર્ષિક વૃદ્ધિ દર દર્શાવે છે, સારવાર માટેના સાધન, સ્ટાફ તથા અન્ય ખર્ચમાં સતત વધારો થયો છે જ્યારે પેકેજનો દર વર્ષોથી યથાવત્ છે. તા.1થી 7 એપ્રિલ સુધી કાર્ડમાં કાર્ડિયાક સારવાર બંધ રાખવાના નિર્ણયથી કાર્ડના લાભાર્થી અનેક દર્દીઓ પર તેની માઠી અસર થશે.