રાજકોટમાં અગાઉ ઘણા દિવસ સુધી તાપમાનનો પારો 36થી 39 ડિગ્રી રહ્યા બાદ હવે ગરમી વધી રહી છે. સોમવારે રાજકોટમાં 41.1 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. રાજકોટમાં મહત્તમ અને લઘુતમ તાપમાન વચ્ચે 22.5 ડિગ્રીનો તફાવત જોવા મળ્યો છે કારણ કે, સોમવારે શહેરનું મહત્તમ તાપમાન 41.1 ડિગ્રી રહ્યું હતું જ્યારે લઘુતમ તાપમાન 18.6 ડિગ્રી રહ્યું હતું. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસમાં સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હીટવેવની આગાહી કરાઇ છે. સાથે સાથે 04 એપ્રિલ સુધી દક્ષિણ ગુજરાત ક્ષેત્ર અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો પર ગરમ અને ભેજવાળી હવાને કારણે માવઠાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
2 એપ્રિલના રોજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવનો સમાવેશ થાય છે. તેમજ થન્ડરસ્ટોર્મની વોર્નિંગ આપવામાં આવી છે.