એકબાજુ સરકાર શાળાઓમાં વાજતેગાજતે પ્રવેશોત્સવના કાર્યક્રમ યોજી રહી છે, ઉનાળુ વેકેશન બાદ નવા સત્રની શરૂઆતમાં જ પ્રવેશોત્સવ યોજી બાળકોનું શાળાઓમાં નામાંકન કરાવાશે. જ્યારે બીજીબાજુ વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઓછી હોવાથી અથવા સાવ શૂન્ય હોવાથી સરકારી શાળાને તાળાં મારવા પડ્યા છે. રાજકોટની 3 સહિત રાજ્યની 56 સરકારી પ્રાથમિક શાળા બંધ કરવી પડી છે.
આ તમામ સરકારી શાળા બંધ કરવાના મુખ્ય બે જ કારણ હોવાનું સામે આવ્યું છે જેમાં એક ક્લાસમાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઓછી હોય અને બીજું વિદ્યાર્થીઓની સંખ્યા શૂન્ય હોય તેવી સ્થિતિમાં શાળા બંધ કરી દેવી પડી છે. વિધાનસભામાં ખુદ સરકારે સ્વીકાર્યું કે છેલ્લા બે વર્ષમાં ક્યાં કારણોસર કેટલી સરકારી શાળાઓ બંધ કરી દીધી.
સરકારે આ શાળાઓ બંધ થવાનું મુખ્ય કારણ વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા અથવા શૂન્ય સંખ્યા ગણાવી છે. ઘણા વિસ્તારોમાં વિદ્યાર્થીઓની સંખ્યા એટલી ઓછી થઈ ગઈ હતી કે, શાળા ચલાવવી આર્થિક રીતે પોસાય તેમ નહોતું. જેના કારણે સરકારને આ શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો. સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા હંમેશાં ચર્ચાનો વિષય રહી છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારી શાળાઓની સ્થિતિ વધુ કથળી છે. જેના કારણે વાલીઓ સરકારી શાળાઓમાં પોતાના બાળકોને મોકલવાનું ટાળી રહ્યા છે. આના પરિણામે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે અને ઘણી શાળાઓ બંધ થવાના આરે આવી ગઈ છે. બીજી બાજુ ખાનગી શાળાઓ વધી છે.