ડોક્ટર અને દર્દીના સગા વચ્ચે માથાકૂટનો વીડિયો વાઈરલ

રાજકોટની સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ કારણોસર વિવાદોમાં આવતી હોય છે. ત્યારે આજે ફરી એક વખત સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર અને દર્દીના સગા વચ્ચે ઘર્ષણ થયું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં ઘર્ષણનો વીડિયો પણ વાઇરલ થયો છે. જેમાં ડોક્ટરો યોગ્ય રીતે સારવાર નહીં કરતા હોવાનો આરોપ દર્દીના સગા દ્વારા લગાવાઈ રહ્યો છે. જોકે, હોસ્પિટલમાં તૈનાત એસઆરપી જવાનો અને સિક્યુરિટી સ્ટાફ દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો હતો. પરંતુ હાલ આ બનાવનો વીડિયો વાઇરલ થયો છે. દર્દીએ તબીબના ટેબલ ઉપર પગ રાખતા ઘર્ષણ થયાનો તંત્ર દ્વારા બચાવ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર ગઈકાલે સિવિલ હોસ્પિટલનાં ઓર્થોપેડિક વિભાગમાં પગમાં ઇજાની સારવાર માટે આવેલા દર્દી અને તેના સગાને ફરજ પરના ડોક્ટર સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. દર્દીના સગાએ આ બનાવને કેમેરામાં કેદ કરી લેતા તેનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં દર્દી અને તેમના સગા ડોક્ટર યોગ્ય સારવાર નહીં કરતા હોવાનો આરોપ લગાવી ઉગ્ર બોલાચાલી કરી રહ્યા હોવાનું જોવા મળે છે. તેમજ સિવિલ હોસ્પિટલમાં તૈનાત સિક્યુરિટી સ્ટાફ અને એસઆરપી જવાનો દ્વારા મામલો શાંત કરવા પ્રયાસ કરવામાં આવતા હોવાનું પણ નજરે પડી રહ્યું છે.

સમગ્ર મામલે રાજકોટ સિવિલ હોસ્પિટલનાં ઇન્ચાર્જ મીડિયા કો-ઓર્ડીનેટર ડો. મહેન્દ્ર ચાવડાએ જણાવ્યું હતું કે, આ વીડિયો થોડીવાર પહેલા મારા ધ્યાનમાં આવ્યો છે. આ અંગે સિક્યુરિટી ઇન્ચાર્જને પૂછતાં જાણવા મળ્યું કે, ગતરાત્રે કોઈ પેશન્ટ આવ્યા હતા. જેને પગમાં દુઃખાવો થતો હતો. આ દર્દીએ પગ ડોક્ટરનાં ટેબલ ઉપર રાખી દેતા ફરજ પરના ડોક્ટરે તેમને પગ નીચે રાખવાનું કહ્યું હતું. જેને લઈને દર્દી ઉશ્કેરાતા આ ઘર્ષણ થયું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. ત્યારે આ મામલામાં ડોક્ટરની કોઈ બેદરકારી હોવાનું હાલ જણાયું નથી. છતાં એકાદ-બે દિવસમાં આ સમગ્ર બનાવની ઊંડી તપાસ કરવામાં આવશે. અને ડોક્ટર કે કોઈ સ્ટાફની બેદરકારી સામે આવશે તો પગલાં લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *