યુવક સાથે સંબંધ કેળવી દંપતીએ રૂ.7.20 લાખની છેતરપિંડી કરી

શહેરની નંદવાટિકા વિસ્તારમાં રહેતી મહિલા સાથે પરિચય થયા બાદ ડ્રાઇવર યુવક પાસેથી મહિલા અને તેના પતિએ કટકે કટકે રૂ.10.60 લાખ ઉછીના લીધા હતા અને તેના બદલામાં રૂ.3.40 લાખ જ પરત કર્યા હતા. બાકીની રકમની યુવકે ઉઘરાણી કરતાં મહિલા, તેના પતિ અને પુત્રએ ધમકી આપી યુવકને જ્ઞાતિ અંગે હડધૂત કર્યો હતો.

કાલાવડ રોડ પર વામ્બે આવાસ યોજના ક્વાર્ટર્સમાં રહેતા અને ટૂર્સ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતાં મહેન્દ્ર વિનોદભાઇ લકુમે (ઉ.વ.37) યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળની નંદવાટિકા એપાર્ટમેન્ટમાં રહેતી ચેતના ભરત ધાંધિયા, તેનો પતિ ભરત ધાંધિયા અને પુત્ર ધાર્મિક ધાંધિયાના નામ આપ્યા હતા, મહેન્દ્ર લકુમે ફરિયાદમાં જણાવ્યું હતું કે, 2022માં પોતે તૃપ્તિબેન જોષીની કારનું ડ્રાઇવિંગ કરતો હતો ત્યારે તેના વેવાણ ચેતના ધાંધિયાના પરિચયમાં આવ્યો હતો અને ચેતનાના ઘરે વસ્તુ દેવા જતો ત્યારે એકબીજાના મોબાઇલ નંબરની આપલે કરી હતી, ચેતનાનો પતિ ભરત પણ પરિચયમાં આવતા તેણે ધંધા માટે રૂ.5 લાખની માંગ કરતાં કાર પર લોન લઇ તે રકમ તેને આપી હતી, ત્યારબાદ પુત્ર ધાર્મિકની સગાઇ માટે ચેતનાએ દાગીના બનાવવા મહેન્દ્ર પાસેથી રૂ.1 લાખ ઉછીના લીધા હતા, તે સમયે ચેતના અવારનવાર મહેન્દ્રને ફોન કરતી હતી અને વીડિયો કોલ કરતી ત્યારે ચેતના તેના કપડાં ઉતારી નાખતી હતી, જોકે તેણે ક્યારેય તેની સાથે શરીરસંબંધ નહીં બાંધ્યાનું પણ ફરિયાદમાં કહ્યું હતું, ત્યારબાદ અલગ અલગ બહાને ચેતના અને તેના પતિએ મહેન્દ્ર પાસેથી કુલ રૂ.10.60 લાખ લીધા હતા, જેના બદલામાં મહેન્દ્રને રૂ.3.40 લાખ પરત કર્યા હતા, બાકીના પૈસાની મહેન્દ્રએ ઉઘરાણી કરતાં ચેતના, તેનો પતિ ભરત અને પુત્ર ધાર્મિકે ગાળો ભાંડી મહેન્દ્રને જ્ઞાતિ અંગે હડધૂત કર્યો હતો, પોલીસે ચેતના સહિત ત્રણેય સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *