આપણે સોશિયલ મીડિયા પર જે માહિતી શેર કરીએ છીએ કે કમ્પ્યૂટર કે મોબાઈલ ડિવાઇસમાં જે માહિતી સ્ટોર કરીએ છીએ તે પણ સલામત નથી. બદલાતા ટેક્નોલોજીના સમયમાં સલામતીની દૃષ્ટિએ આપણે સતત સાવચેત અને અપડેટ થવું જરૂરી છે. રોજબરોજ સાયબર ક્રાઇમ સંબંધી ગુનાઓ વધી રહ્યા છે, ત્યારે સાયબર ફ્રોડ ડિટેક્શન અને રિસર્ચ માટે રાજકોટ ખાતે ગુજરાતની પ્રથમ અદ્યતન ‘સાયબર સેન્ટિનલ લેબ’ને શરૂ થયાના ત્રણ મહિનામાં 27 જેટલા કેસમાં આરોપીના લોકેશન, પ્રોફાઈલ સહિતના ઇન્વેસ્ટિગેશનમાં સાયબર પોલીસની ટીમને સફળતા મળી છે.
આ લેબમાં મુખ્ય ત્રણ વિભાગ છે. જેમાં એક ટ્રેનિંગ સેન્ટર, બીજું ઇન્વેસ્ટિગેશન સેન્ટર કે જ્યાં સાયબર ફ્રોડ અંતર્ગત જરૂરી કામગીરી કરવામાં આવે છે. જ્યારે ત્રીજો વિભાગ કે જેમાં રિસર્ચ કરવામાં આવે છે. ડિવાઈસમાંથી ડેટા રિકવરી અર્થે સાયબર લેબ ખાતે લાઇસન્સ ધરાવતા યુફેડ, રિવર્સ એન્જિનિયરિંગ, મેલ એક્ઝામિનર, એમ્પેડ જેવા 8 આધુનિક સોફ્ટવેર કાર્યરત છે. જે મોબાઈલની ઇમેજ બનાવી જરૂરી ડેટા કાઢી આપે છે, ક્લાઉડ ડેટા સ્ટોરેજ એક્સટ્રેક્ટરથી ઓનલાઇન ડેટા મેળવી શકાય છે.