શહેરમાં જૂના માર્કેટિંગ યાર્ડ પાસેના આરટીઆે નજીક શ્રીરામ સોસાયટીમાં રહેતા મમતાબેન રાજુભાઇ પરમાર (ઉ.33) તેના ઘર પાસે હતા ત્યારે પાડોશી નાઝનીબેન, હીનાબેન અને ફરઝાનાબેનએ ધોકા-પાઇપ વડે હુમલો કર્યો હતો. દેકારો થતા બહાર આવી તેને બચાવવા જતા પુત્રી કિંજલ (ઉ.12) અને સાસુ ભાનુબેન છગનભાઇ પરમાર (ઉ.60)ને પણ મારકૂટ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ કરતા ઘર પાસે પાણી ઢોળવાના પ્રશ્ને પાડોશીએ માથાકૂટ કરી હુમલો કર્યો હોવાનું જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.
જ્યારે અન્ય એક ઘટનામાં શહેરમાં 150 ફૂટ રિંગ રોડ પર વ્રજવિલા એપાર્ટમેન્ટમાં રહેતા વિજયાબેન બાબુભાઇ કોરિયા (ઉ.65) પોતાના ઘેર હતા ત્યારે ઝેરી દવા પી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા તાલુકા પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક વૃદ્ધાને કેટલાક સમયથી માનસિક બીમારી હોય અને સારવાર પણ ચાલુ હોય છતા સારું ન થતા બીમારીથી કંટાળી આ પગલું ભરી લીધાનું પરિવારે જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.