શહેરના ગુંદાવાડી વિસ્તારમાં દુકાન ધરાવતા સોની વેપારીને ત્યાં ખરીદીના નામે જઇ જૂના ગ્રાહકે રૂ.3.70 લાખના સોનાના બે ચેઇન ઘરે બતાવીને આવું છું તેમ કહી લઇ ગયા બાદ પરત આપ્યા નહોતા, પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો. ગુંદાવાડીમાં રહેતા અને એ જ વિસ્તારમાં એન.આર.જ્વેલર્સ નામે દુકાન ધરાવતા સંજયભાઇ નિતિનભાઇ રાધનપુરાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કોઠારિયા ગામમાં રહેતા કશ્યપ કિશોર રામાણીનું નામ આપ્યું હતું.
સંજયભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.1 માર્ચના પોતે પોતાની દુકાને હતા ત્યારે કોઠારિયા ગામમાં રહેતા તેમના જૂના ગ્રાહક કશ્યપ રામાણી તેની દુકાને આવ્યો હતો અને 22 કેરેટ સોનાના બે ચેઇન ખરીદવા છે તેવી વાત કરતાં વેપારી સંજયભાઇએ રૂ.3.70 લાખની કિંમતના 46.230 ગ્રામ સોનાના બે ચેઇન બતાવ્યા હતા, તે બંને ચેઇન પસંદ કર્યા બાદ કશ્યપે આ ચેઇન ઘરે બતાવીને આવશે તેમ કહેતા સંજયભાઇએ ચેઇન બતાવવા આપી નહીં શકે તેવું કહ્યું હતું. કશ્યપે ઘરે જઇને અડધી કલાકમાં જ પરત આવી જઇશ તેવી દલીલો કરી હતી, કશ્યપના પિતા પણ આ દુકાને અગાઉ ખરીદી કરવા આવતા હોય કશ્યપ પર વેપારી સંજયભાઇએ વિશ્વાસ કર્યો હતો અને બંને ચેઇન આપ્યા હતા, અડધો કલાક વિત્યા બાદ કશ્યપ પરત નહીં આવતા સંજયભાઇએ ફોન કરતા કશ્યપે તે રિસિવ કર્યા નહોતા અને બાદમાં વેપારીના તમામ મોબાઇલ નંબર બ્લોક કરી નાખ્યા હતા, થોડા દિવસ બાદ સંજયભાઇ કોઠારિયા કશ્યપના ઘરે ગયા ત્યારે તે મળ્યો નહોતો, ત્યારબાદ કશ્યપ મળ્યો ત્યારે તેણે બંને ચેઇન આપી દેવાના બહાના કાઢ્યા હતા પરંતુ ચેઇન પરત નહી કરતાં અંતે સંજયભાઇને પોતાની સાથે છેતરપિંડી થયાનું સ્પષ્ટ થયું હતું,