સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહિલા આયોગમાંથી અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સંજય પંડ્યા સામેની આવેલી ફરિયાદમાં સત્તાધીશોએ અધ્યાપકને ક્લિનચીટ આપી છે. ભવનના વડાએ આપેલા અભિપ્રાયમાં જણાવાયું છે કે જે બહેનોએ ફરિયાદ કરેલ છે તેવા એકપણ બહેનો વર્ષ-2016 પછી ભવનના રેકર્ડ પર નોંધાયેલા નથી. લેખિત ફરિયાદ કરનાર બહેનોના નામ સિવાય તેઓના રહેઠાણ, સંપર્ક નંબર, અભ્યાસનું સ્થળ જેવી કોઈપણ બાબતનો ઉલ્લેખ નથી. તેવા જુદા-જુદા કારણોસર પ્રોફેસરને ક્લિનચીટ આપવામાં આવી છે. પરંતુ ખરેખર યુનિવર્સિટીના સત્તાધીશોએ જે બાબતની ફરિયાદ કરી હતી તેની તપાસ કરવાને બદલે ફરિયાદીની તપાસ કરીને રિપોર્ટ અપાયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ન કોઈએ ભવનમાં વિદ્યાર્થિનીઓને પૂછ્યું કે તેમને આવી કોઈ ફરિયાદ છે કે કેમ? ન કોઈએ ઇન્ટરનલ માર્કનો ડેટા તપાસ્યો હતો.
અર્થશાસ્ત્ર ભવનના પ્રોફેસર સામે ક્લાસમાં દ્વિઅર્થી શબ્દો બોલતા હોવાનો અને ચોક્કસ જ્ઞાતિના વિદ્યાર્થીઓને માર્ક આપતા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો. યુનિવર્સિટી દ્વારા શુક્રવારે આ અંગે જણાવાયું હતું કે લેખિત ફરિયાદ કરનાર બહેનોના નામ સિવાય તેઓના રહેઠાણ, સંપર્ક નંબર, અભ્યાસનું સ્થળ જેવી કોઈપણ બાબતનો ઉલ્લેખ નથી તેમજ એક જ વ્યક્તિ દ્વારા સહી કરવામાં આવેલ હોય તેવું જણાય છે. જે બહેનોએ ફરિયાદ કરી છે તેવા એકપણ બહેનો વર્ષ-2016 પછી ભવનના રેકર્ડ પર નોંધાયેલા નથી. ફરિયાદ ખોટા નામોથી તેમજ આક્ષેપો ખોટા અને બનાવટી જણાય છે.