મહાપાલિકાએ 2 અને 1.5 બેડ, હોલ, કિચનના વધુ 181 ફલેટ વેચવા કાઢ્યા

શહેરના વિવિધ વિસ્તારોમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્માણ પામેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ખાલી પડેલા એલઆઇજી કેટેગરીના 137 આવાસો અને ઇડબલ્યુએસ કેટેગરીના 44 આવાસો મળી કુલ 181 ફલેટ વેંચવા કાઢવામાં આવ્યા છે.

મનપાના મેયર નયનાબેન પેઢડિયા અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ અને ખાલી પડેલા શહેરના જુદા-જુદા વિસ્તારમાં આવેલ LIG કેટેગરીના 137 આવાસો તથા EWS-2 કેટેગરીના 44 આવાસો માટે ફોર્મ તા.2-4 થી તા.1-5 દરમિયાન મનપાની વેબસાઇટ www.rmc.gov.in પર જઇ ઓનલાઇન ભરી શકાશે. ઓનલાઇન ફોર્મ ફી રૂ. 50/- તેમજ ડિપોઝિટ ભરવાની રહેશે. ફોર્મ તેમજ ફોર્મની ફી અને ડિપોઝિટ ભરવાની સમગ્ર પ્રક્રિયા ફકત અને ફકત ઓનલાઇન જ રહેશે. ફોર્મ ભરતી વખતે કોઇ ટેક્નિકલ સમસ્યા ઉદભવે તો આવાસ યોજના વિભાગના ફોન નં. 0281-2221615 પર સંપર્ક સાધવો. એલઆઇજી કેટેગરીના 2 બેડ હોલ, કિચનના 50 ચો.મી. આવાસની કિંમત રૂ.12 લાખ નક્કી કરવામાં આવી છે અને વાર્ષિક રૂ.3 થી 6 લાખની આવક ધરાવતા અરજદારો અરજી કરી શકશે. તેની ડિપોઝિટ રૂ.20 હજાર છે. જ્યારે ઇડબલ્યુએસ-2 કેટેગરીના 1.5 બેડ, હોલ, કિચનના 40 ચો.મી.ના આવાસની કિંમત રૂ.5.50 લાખ રાખવામાં આવી છે અને અરજદારની વાર્ષિક આવક મર્યાદા રૂ.3 લાખ રખાઈ છે. તેમજ ડિપોઝિટ રૂ.10 હજાર નક્કી કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *