નશાની હાલતમાં ગોંડલ રોડ નજીક આવેલ સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ અને બાલાજી હોલ પાછળ આવેલ ક્રિષ્ના સ્કૂલમાં ચોરી કરનાર તસ્કરને દાહોદથી તાલુકા પોલીસ ટીમે ઝડપી પાડી રૂપિયા 25 હજારની રોકડ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે
આ બનાવ અંગે રાજકોટના કાલાવડ રોડ પર પ્રેમ મંદિર પાછળ રહેતાં દર્શનભાઇ ખીમશંકરભાઇ દવે (ઉ.વ.51)એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બાલાજી હોલની પાછળ આવેલ ક્રિષ્ના સ્કૂલમાં છેલ્લા 4 વર્ષથી પ્રિન્સિપાલ તરીકે નોકરી કરે છે. ગઈ તા.20ના નોકરી ઉપર ક્રિષ્ના સ્કૂલ ખાતે ગયેલ ત્યારે ઓફિસમાં જોયુ તો ટેબલ ઉપર પુસ્તકો અસ્ત વ્યસ્ત પડેલા હતા અને ઓફિસનો કેમેરો તૂટેલી હાલતમાં ટેબલ પર પડેલ હતો અને ટેબલ ઉપરનુ કોમ્પ્યુટર ઉંધુ પડેલ હતુ
બાજુમાં રહેલ પ્રાયમરી વિભાગના પ્રિન્સિપાલનું ટેબલ જોતા ખ્યાલ આવ્યો હતો કે, ઓફિસમાં ચોરી થયેલ છે. પ્રાયમરી વિભાગના પ્રિન્સિપાલ પ્રવીણાબેન પટેલના ટેબલના લોકવાળા બે ડ્રોઅરમાંથી એક ડ્રોઅર ખુલ્લુ જોવા મળતા પ્રિન્સિપાલને જાણ કરતા તેઓ દોડી આવેલ અને તેમણે તેમના ખાનામાં રાખેલ રકમનો હિસાબ કરતા તેમણે ખાનામાં બાળકોની આવેલ ફીના રૂ.39,100 રાખેલ તે ચોરાઇ ગયેલનું જાણવા મળ્યું હતું. બાદમાં સ્કૂલનો એન્ટ્રી ગેઇટનો કેમેરો લટકતો જોવા મળ્યો હતો તેમજ સ્કૂલના કેમેરા તપાસતા તેમાં જોવા મળ્યું કે, રાત્રીના ત્રણ વાગ્યાની આસપાસ એક અજાણ્યો વ્યક્તિ સ્કૂલમાં પ્રવેશી અને 4 વાગ્યાની આસપાસ સ્કૂલમાંથી ચોરી કરી જતો હતો. જે અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.