ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા બાદ તેના પેપર મૂલ્યાંકન કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં 23 જેટલા કેન્દ્રમાં 11 દિવસમાં 3 હજારથી વધુ શિક્ષકોએ 2.50 લાખથી વધુ ઉત્તરવહીનું મૂલ્યાંકન કર્યું હતું. રાજકોટ જિલ્લામાં હાલ બોર્ડની પરીક્ષાના પેપર ચેકિંગની કામગીરી મહદંશે પૂર્ણ થઇ ગઈ છે. સંભવત આગામી તારીખ 25 એપ્રિલ સુધીમાં શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવી શકે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ-12 સાયન્સનું પરિણામ સૌથી પહેલાં જાહેર કરવામાં આવશે કારણ કે તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ કરતા ઓછી હોય છે.
રાજકોટ સહિત રાજ્યભરમાં 27 ફેબ્રુઆરીથી શરૂ થયેલી બોર્ડની પરીક્ષા 17 માર્ચ સુધી ચાલી હતી. જોકે ધો.10 અને 12 સાયન્સની પરીક્ષા વહેલી પૂરી થઇ ગઈ હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ તુરંત જ બોર્ડ દ્વારા પેપર મૂલ્યાંકન કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી. રાજકોટમાં 12 માર્ચથી જિલ્લાના જુદા જુદા 23 કેન્દ્ર ઉપર ધોરણ-10 -12ની ઉત્તરવહી ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આશરે 11 દિવસમાં જ રાજકોટ જિલ્લામાં પેપર ચેકિંગની કામગીરી પૂર્ણ થઇ ગઈ છે. આ કામગીરીમાં આશરે 3 હજારથી વધુ શિક્ષકો જોડાયા હતા અને 2.50 લાખથી વધુ ઉત્તરવહી તપાસવામાં આવી હતી. પેપર ચેકિંગ પારદર્શક રીતે થાય તે માટે બોર્ડ દરેક જિલ્લાની ઉત્તરવહી અન્ય જિલ્લા સાથે અદલા-બદલી કરી દેવામાં આવી હતી. પેપર મૂલ્યાંકન દરમિયાન સરકારી શાળાના શિક્ષકો અને ખાનગીના શિક્ષકોને ચૂકવાતા વેતનને લઇને પણ વિવાદ થયો હતો. જો કે, હાલ મૂલ્યાંકન કામગીરી પૂર્ણ થઇ ગઇ છે.