રાજકોટના 628 એપાર્ટમેન્ટમાં ફાયર સેફ્ટીની ચકાસણી

રાજકોટનાં 150 ફૂટ રિંગરોડ પર આવેલા એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં થયેલા અગ્નિકાંડમાં 3 લોકોનાં મોત થયા હતા. જેને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વધુ તપાસ કરવામાં આવતા 10 વર્ષથી ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું હતું. તેમજ ફાયરના સાધનો વર્કિંગ કરતા નહીં હોવાથી નોટિસ આપવામાં આવી હતી. ત્યારે આ દુર્ઘટના બાદ મનપા તંત્રની ઊંઘ ઉડી છે. એટલાન્ટિસ એપાર્ટમેન્ટની આગ અંગે હજુ તપાસ કરવામાં આવી રહી છે. સાથે શહેરમાં અન્ય કોઈ સ્થળે આવી દુર્ઘટના ન બને તે માટે અત્યાર સુધીમાં 628 રહેણાંક એપાર્ટમેન્ટમાં ચેકીંગ કરીને કુલ 542ને નોટિસ આપવામાં આવી છે. હજુ પણ શહેરના તમામ વિસ્તારોનાં રહેણાંક તેમજ કોમર્શિયલ બાંધકામોમાં ચેકીંગની કામગીરી ચાલી રહી છે.

રાજકોટનાં ડે. કમિશ્નર ચેતન નંદાણીએ જણાવ્યું હતું કે, એટલાન્ટિસ બિલ્ડિંગમાં જે ત્રુટીઓ હતી તે અન્ય કોઈ જગ્યાએ ન રહે તે માટેના પ્રયત્નો કરવામાં આવશે. 10 વર્ષથી એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં ફાયર એનઓસી રિન્યુ કરાયું નહોતું જેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ આ દુર્ઘટના બાદ મનપા દ્વારા જુદી-જુદી ટીમો બનાવીને રહેણાંક બિલ્ડીંગોમાં પણ ચેકીંગ હાથ ધરાયુ છે. જેમાં અત્યાર સુધીમાં 628 રહેણાંક બિલ્ડિંગમાં ચેકિંગ કરવામાં આવ્યું છે. જ્યારે 542 બિલ્ડીંગોમાં જુદી-જુદી ત્રુટીઓ મામલે નોટિસ ફટકારવામાં આવી ચુકી છે. હાલ પણ આ ચેકીંગની કામગીરી ચાલી રહી છે.

ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા ખાસ એસોપી જાહેર કરવામાં આવી હતી. જેમાં અમુક ફેરફાર કરીને મનપા દ્વારા નવી એસોપી તૈયાર કરવામાં આવી છે. જે અંતર્ગત નવી ફાયર પ્રિવેન્સન વિંગ દ્વારા શહેરના તમામ રહેણાંક સહિતના બિલ્ડીંગોમાં ફાયરની એનઓસી, ફાયરના સાધનોની તપાસ કરવાની કામગીરી અવિરત પણે કરવામાં આવી રહી છે. એટલાન્ટિસ એપા ને પણ નોટિસો આપવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ કાર્યવાહી થઈ શકી નહોતી. જોકે હવે નિયમ અનુસાર 3 નોટિસો આપવા છતાં જો કોઈ બિલ્ડીંગ કે સોસાયટીનાં પ્રમુખ દ્વારા ફાયર એનઓસી અંગે કામગીરી નહીં કરવામાં આવે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *