રાજકોટ મહાપાલિકાની વેરા વસૂલાત શાખા દ્વારા ચાલુ નાણાકીય વર્ષનો ટાર્ગેટ પૂરો કરવા સઘન રિકવરી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે માત્ર એક મિલ્કત સીલ કરવામાં આવી હતી. જેમાં વોર્ડ નં.7ના ગોંડલ રોડ પર નોવોસ બિલ્ડીંગમાં એક ઓફિસ સીલ કરવામાં આવી હતી. આ સિવાય આજે વોર્ડ નં.1, 13, 14, 18માંથી પણ રીકવરી થઇ હતી. આજના દિવસમાં 7 યુનિટને નોટીસ આપતા રૂ. 64.38 લાખની રીકવરી થઇ હતી. જેને પગલે ચાલુ વર્ષની આવક આજે બપોર સુધીમાં રૂ. 401.36 કરોડ પર પહોંચી છે. 31 માર્ચ સુધી રજાઓના દિવસોમાં પણ વેરા વસૂલાતની કામગીરી કરવામાં આવશે.
રાજકોટ મનપા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અંતર્ગત ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસૂલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણેય ઝોનમાંથી કુલ 31 આસામીઓ પાસેથી 1.83 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ. 7900નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. આ કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સૂચના મુજબ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કરવામાં આવી હતી.