શહેરમાં ગુનેગારો પર અંકુશ લગાડવાના પોલીસના અભિયાન વચ્ચે કુખ્યાત મહિલા પેડલરના પુત્ર સહિત બે શખ્સોઅે યુવકને કારની ઠોકરે ચડાવી હુમલો કર્યો હતો. ગાંધીગ્રામ પાસેના ધરમનગર આવાસ યોજના ક્વાર્ટર નજીક મીરાનગરના યુવકે મહિલા પેડલરના પુત્રને માદક પદાર્થના ગુનામાં જેલમાંથી છુટવા માટે સાત લાખ આપ્યા હતા જે પૈસાની લેતીદેતીના પ્રશ્ને ડખો થયો હોવાનું બહાર આવતા ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડી લેવા કાર્યવાહી કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ રૈયારોડ પર બાપા સીતારામ ચોક પાસેના મીરાનગરમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા અજયસિંહ દોલુભા ચુડાસમા (ઉ.30) રાત્રીના ધરમનગર આવાસ યોજનાના ક્વાર્ટર પાસે મુરલીધર ચોક હતા ત્યારે હિતેશ ધામેલિયા, મુરલી, રાજુ અને પ્રદીપ સહિતે કારની ઠોકરે ચડાવી દીધો હતો અને કારમાંથી નીચે ઉતરી મારકૂટ કરી નાસી ગયા હતા. ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા યુનિવર્સિટી પોલસ મથકના જમાદાર નિલેશભાઇ વાવેચા સહિતે તપાસ હાથ ધરી હતી.
પોલીસની પૂછતાછમાં અજયસિહંએ જણાવ્યું હતું કે તે અને તેનો મિત્ર ભુરો સહિતના રાત્રીના મુરલીધર ચોકમાં ઉભા હતા ત્યારે મહિલા પેડલર સુધા ધામેલિયાનો પુત્ર હિતેશ સહિતના કારમાં આવ્યા હતા અને કારની ઠોકરે લેતા બન્ને મિત્રો પડી ગયા હતા. ત્યાર બાદ બધા કારમાંથી નીચે ઉતરી હુમલો કરી નાસી ગયાનું જણાવ્યું હતું. પોલીસની વધુ પૂછતાછમાં હિતેશ ધામેલિયા સહિતના તેના મિત્રો માદક પદાર્થના ગુનામાં રાજકોટ જિલ્લા જેલમાં હોય જેથી વકીલ અને જેલમાં થતા ખર્ચ માટે કટકે-કટકે સાત લાખનો ખર્ચ થયો હોય જેમાં દોઢ માસ પહેલા હિતેશ પાસે ફોનમાં ઉધરાણી કરતા તેને આપી દેવાની વાત કરી હતી પરંતુ નહીં આપતા તેની ઉઘરાણી કરતા ફોનમાં ડખો થયો હોય જેનો ખાર રાખી હુમલો કર્યો હોવાનું જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.