શહેરમાં નવાગામ પાસેના નાકરાવાડીમાં આઠેક માસ પહેલા રામાપીરના મેળામાં થયેલા ઝઘડાના પ્રશ્ને પરિવારના ઘરમાં ઘૂસી છ શખ્સોએ ધમાલ મચાવી પિતા-પુત્ર પર હુમલો કર્યો હતો અને વાહનોમાં તોડફોડ કરી હતી. દેકારો થતા પાડોશીએ સમજાવવા જતા તેને પણ મારકૂટ કરી નાસી જતા પોલીસે બે અગલ-અલગ ગુના નોંધી છ આરોપીઓને પકડી લેવા કાર્યવાહી કરી છે.
નાકરાવાડી ગામે રહેતા અને ઇમિટેશનની મજૂરીકામ કરતો રાહુલ ભાવસિંગભાઇ દંતેસરિયા (ઉ.25) તેના પિતા ભાવસિંગભાઇ શામજીભાઇ દંતેસરિયા (ઉ.50) તેના પરિવાર સાથે રાત્રીના તેના ઘેર સૂતા હતા ત્યારે શુકલ પીપળિયા ગામનો સંજય ચતુરભાઇ સોલંકી, રાજકોટના પોપટપરામાં રહેતો બેચર કોળી અને ચાર અજાણ્યા શખ્સો આવ્યા હતા અને ઘર બહાર દેકારો કરતા હોય જેથી રાહુલે દરવાજો ખોલતા સંજય સહિતના શખ્સો ધારિયું, લોખંડના પાઇપ અને કાચની સોડા બોટલ વડે ઘરમાં ઘૂસી સોડા બોટલનાે ઘા માથામાં ફટકાર્યો હતો જેથી ડરી જતા દેકારો કરતા તેના પિતા અને તેના મોટા બાપુનો પુત્ર નવધણ અને કિશોર સહિત આવી ગયા હતા જેથી સંજય સહિતે તેની પર હુમલો કર્યો હતો અને મકાનમાં તોડફોડ કરી હતી. દરમિયાન પાડોશી પ્રકાશભાઇ રાજુભાઇ વઢલખીયા (ઉ.39) બહાર આવતા તેને પણ ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કરી નાસી જતા ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
બનાવની જાણ થતા કુવાડવા પોલીસ મથકના પીએસઆઇ ભગોરા સહિતના સ્ટાફે ભાદરવી અગિયારસના દિવસે શુકલ પીપળીયા ગામે રામાપીરના મેળામાં સંજય અને ભાવસિંગભાઇ વચ્ચે ઝઘડો થયો હતો જેનો ખાર રાખી હુમલો કર્યો હોવાનું તેમજ પાડોશી પ્રકાશભાઇ સમજાવવા જતા તું ભાવસિંગનો ભાઇ છોને કહી હુમલો કર્યો હોવાનું બહાર આવતા પોલીસે છ શખ્સો સામે અલગ-અલગ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.