રાજકોટ શહેરમાં બે દિવસ પહેલા સોમવારે(24 માર્ચ) સવારે 9.25 વાગ્યે નાકરાવાડી નજીક પીપળીયા ખાતે આવેલ KBZ નમકીન કંપનીમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં રાજકોટ મનપા અંતર્ગત આવતા બેડીપરા, રેલનગર, કોઠારીયા, રામાપીર, કાલાવડ, ગોંડલ અને શાપરના ફાયર ફાઈટર મદદથી સતત 14 કલાક સુધી પાણીનો મારો ચલાવી 2 લાખથી વધુ લીટર પાણી અને 100 લીટર ફોર્મ લીકવીડનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાયો હતો. આગ લાગવાથી ફેક્ટરી સંપૂર્ણ આગની ચપેટમાં આવી ગઈ હતી અને અંદાજિત 50 કરોડનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. જો કે આગ ક્યાં કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.
રાજકોટ મહાનગર પાલિકાના ફાયર વિભાગ દ્વારા સત્તાવાર જાહેર કર્યા મુજબ આગની જાણ ફાયરબ્રિગેડને 9.25 વાગ્યે થઇ હતી. રાજકોટથી બેડીપરા, રેલનગર, રામાપીર, કોઠારીયા, તેમજ બહારગામથી કાલાવડ, ગોંડલ અને શાપર સ્થિત ફાયર ટીમની મદદ મેળવી સતત પાણીનો મારો તેમજ ફોર્મ લીકવીડનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. સતત 13-14 કલાક પાણીનો મારો ચલાવવામાં આવ્યો જેમાં લગભગ 2 લાખ લીટર કરતા વધુ પાણી તેમજ 100 લીટર લીકવીડ ફોર્મનો મારો ચલાવી સંપૂર્ણપણે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.