સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ કે જ્યાં આશરે 2.50 લાખથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા સબંધિત મહત્વની કામગીરી થતી હોય છે ત્યાં 90% સ્ટાફ કોન્ટ્રાક્ટ આધારિત છે. કરારી કર્મચારીઓ પરીક્ષા વિભાગની મહત્વની જવાબદારી નિભાવી રહ્યા છે અને એમાં પણ મોટાભાગના કરારી કર્મચારીઓ ભાજપના કાર્યકર્તા છે. ભાજપના નાના-મોટા દરેક કાર્યક્રમમાં તેમની હાજરી હોય છે, નેતાઓ સાથેના ફોટા પણ સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે. આ પૈકીના કેટલાક કરારી કર્મચારીઓ નેતાઓની કોલેજોના એનરોલમેન્ટ, પરીક્ષા ફોર્મ સહિતના નાના-મોટા કામ નિયમ વિરુદ્ધ કરી દેવાય છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આખો પરીક્ષા વિભાગ કરાર આધારિત કર્મચારીઓ ઉપર જ ચાલે છે. યુનિવર્સિટીનું મહત્વનું કહેવાય એવા પરીક્ષાના પેપર લેવા, પેપર પ્રિન્ટિંગ કર્યા પછી કોલેજ સુધી પહોંચાડવા અને કમ્પ્યુટરમાં ઈ-મેઈલથી મોકલવા આ બધી પ્રક્રિયા કરવા માટે યુનિવર્સિટીના કાયમી કર્મચારીઓ ખુબ ઓછા છે. યુનિવર્સિટી કાયમી કર્મચારીઓનો ઉપયોગ પરીક્ષા જેવી મહત્વની જવાબદારીમાં કરવાને બદલે બાકીની અન્ય પ્રવૃત્તિમાં કરે છે.
નેતાઓની કોલેજના વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ દિવાળી સુધી આપવા દેવા, કોલેજોને બારોબાર એનરોલમેન્ટમાં સુધારો કરી આપવો, નામ બદલી દેવા, પરીક્ષાનું કેન્દ્ર કોલેજ પોતાને ત્યાં જ રાખે અને પરીક્ષા વિભાગ બીજે ક્યાંય પરીક્ષા ન લેવા દે, એમાં પણ કરારી કર્મચારીઓનો મોટો રોલ હોય છે. પરીક્ષાના 4 દિવસ પહેલા પણ એનરોલમેન્ટ કર્યું હોય, પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ પૂરી થઇ ગયા પછી પાછળથી ફોર્મ લઇ લેવામાં આવે, પેપર એસેસમેન્ટમાં ગ્રાન્ટેડ કરતા ખાનગી કોલેજોના પ્રોફેસર વધુ પેપર ચેક કરે તેવી પણ વ્યવસ્થા થાય છે, ખાનગી કોલેજોમાં અપાતા આડેધડ ઇન્ટરનલ માર્કનું ક્યારેય મૂલ્યાંકન થયું નથી.