રાજકોટના નાનામવા રોડ ખાતે આવેલી શ્રી અમૃત ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીમાંથી અલગ-અલગ નામે લોન લઇ તેના ચૂકવણા પેટે એક જ પરિવારના છ સભ્યોએ આપેલા રૂ.1,20,88,718ના ચેક રિટર્ન થતા કરાયેલા કેસમાં અદાલતે તમામ આરોપીઓને દોઢ-દોઢ વર્ષની સજા અને 1 માસમાં વળતર પેટે ચેકની રકમ ચુકવી આપવા હુકમ કર્યો છે અને જો ચેકની રકમ ન ચુકવે તો વધુ 6 માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.
નાનામવા રોડ પર લક્ષ્મીનગર ખાતે આવેલી અમૃત ક્રેડીટ કો-ઓપરેટીવે સોસાયટીમાંથી સિધ્ધપરા પરિવારના છ સભ્યોએ મિલકત મોર્ગેજ કરી તેની સામે લોન લીધી હતી અને રૂ.1,20,88,718ની રકમ ચડત થઇ જતા તે પેટે તમામ અલગ-અલગ ચેક આપ્યા હતા. આ ચેક અપૂરતી બેલેન્સના કારણે પરત ફરતા લીગલ નોટિસ આપ્યા બાદ બેન્કના મેનેજર સતીષ પરષોતમભાઇ પાંભરે મંડળીના વકીલ સંજય પંડયા મારફત 6 વ્યક્તિઓ સામે એડીશનલ ચીફ જ્યુડીશ્યલની કોર્ટમાં નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 મુજબ 6 અલગ-અલગ ફરિયાદો દાખલ કરી હતી. જે કેસ ચાલી જતા બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ઠરાવેલ છે કે વટાઉ ખત અધિનિયમએ સ્પેશીયલ એક્ટ છે. જેનો હેતુ વ્યાપારિક વ્હાવહારોમાં પારદર્શકતા લાવી અને ઝડપી નાણાકીય ચુકવણી કરવાનો અને વિશ્વસનીયતા ટકાવી રાખવાનો છે. ચેકની વિશ્વસનીયતા જળવાઇ રહે તેને ધ્યાનમાં રાખી બેલેન્સ જળવાઇ રહે તેવી સજા કરવામાં આવે તો ન્યાયનો હેતુ સર થાય તેમ છે. તેમ ઠરાવી તમામ આરોપીઓને દોષિત ઠરાવી દોઢ-દોઢ વર્ષની સજાનો હુકમ કર્યો હતો.