શહેરમાં મોરબી રોડ પર સોહમનગરમાં રહેતા યુવકે પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારમાં શોક છવાયો છે. ગેરેજ સંચાલક ઉપરના માળે હતા ત્યારે તેને બોલાવવા જતા પત્નીએ પતિને લટકતી હાલતમાં જોયા હોવાનું અને મૈત્રીકરાર કરી સાથે રહેતી પ્રેમિકા તેને મુકી માવતરના ઘેર ચાલી જતા આ પગલું ભરી લીધાનું બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.
સોહમનગરમાં રહેતા મનીષભાઇ અરવિંદભાઇ જાદવ (ઉ.31) એ પોતાના ઘેર ઉપરના માળે લોખંડના પાઇપ સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પત્ની ઉપરના માળે બોલાવવા જતા પતિને લટકતી હાલતમાં જોઇ દેકારો કરતા પાડોશના લોકાએ આવી જાણ કરતા 108ની ટીમે પહોંચી તબીબે મૃત જાહેર કરતા બીડિવિઝન પોલીસ મથકના જમાદાર મેહુલભાઇ સહિતે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી.
પોલીસની તપાસમાં મૃતકને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર હોવાનું અને ગેરજ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું પરિવારે જણાવ્યું હતું. પોલીસની વધુ પૂછતાછમાં મૃતક મનીષભાઇને અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ હોય અને તેની સાથે મૈત્રીકરાર કરી પત્ની સંતાનો અને પ્રેમિકા સાથે રહેતા હોય પરંતુ કેટલાક સમયથી પ્રેમિકા તેને મુકીને તેના માતા પિતા સાથે રહેવા ચાલી જતા લાગી આવતા આ પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.