રાજકોટના કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં પાશ્વનાથ એપાર્ટમેન્ટમાં રહેતા વિશાલ વિનોદરાય મહેતાએ મોચી બજારમાં જૂની દાણાપીઠ પાસે જૂનાગઢના ઉતારા ખાતે રહેતા જયેશ જગદીશભાઇ મેઘાણીને મિત્રતાના દાવે રૂ.4.50 લાખ ઉછીના આપ્યા હતા જે પેટે આરોપી જયેશ મેઘાણીએ આપેલો ચેક રિટર્ન થતા અદાલતે આરોપીને બે વર્ષની સજા તથા રૂ.4.50 લાખ 6 ટકા વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યો હતો.
આ કેસની વિગત એવી છે કે, આરોપી જયેશ મેઘાણીએ ફરિયાદી વિશાલ મહેતા પાસેથી સને 2015-16માં ટુકડે ટુકડે રૂ.4.50 લાખની રકમ મેળવી હતી. જે રકમની ફરિયાદીએ ડિમાન્ડ કરતા આરોપીએ ઓક્ટોબર-2016માં પોલીસમાં બોગસ ફરિયાદ કરી હતી. પરંતુ પોલીસને વાસ્તવિકતાનો ખ્યાલ આવતા આરોપીએ બોગસ ફરિયાદ બાબતે કાનૂની કાર્યવાહીમાંથી બચવા ફરિયાદીને ઓક્ટોબર-2016માં નોટરાઇઝડ લખાણ કરી આપ્યું હતું અને ક્રમશ: રૂ.10 હજારના હપ્તે ફરિયાદીને તેની રકમ ચૂકવવા તૈયાર થયો હતો.
પરંતુ આરોપીએ તે મુજબ રકમ નહીં ચૂકવતા ફરિયાદીએ ફરી પોતાની બાકી લેણી રકમની ડિમાન્ડ કરતા આરોપી જયેશ મેઘાણીએ ફરિયાદી વિશાલ મહેતાની તરફેણમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો રૂ.4.50 લાખનો ચેક ઇશ્યુ કરી આપ્યો હતો.
જે ચેક રિટર્ન થતા ફરિયાદીએ પોતાના વકીલ વિકાસ શેઠ મારફત નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ કોર્ટમાં ફરિયાદ કરી હતી. જે કેસ ચાલી જતા અદાલતે આરોપીને 1 વર્ષની સજા અને ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવા હુકમ કર્યો હતો. જેમાં આરોપી ભાગતો ફરતો હોય ડિસ્ટ્રિક્ટ જજે એક તબક્કે આરોપીને જેલહવાલે કર્યો હતો. ત્યારબાદ આરોપીને બચાવની તક આપવા ડિસ્ટ્રિક્ટ કોર્ટે ફરિયાદ રિમાન્ડ કરી હતી. જે ચાલી જતા અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આરોપીને ચેક ડીસઓનરના કેસમાં તકસીરવાન ઠરાવી બે વર્ષની સાદી કેદ અને રૂ.4.50 લાખ છ ટકાના વ્યાજ સાથે ચૂકવી આપવા હુકમ કર્યો હતો