સોમવારે જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળશે. આ સભામાં રાજકોટ જિલ્લા પંચાયતના કુલ 36 સભ્યોમાંથી માત્ર 3 સભ્યોના જ પ્રશ્નો આવ્યા છે. સોમવારે મળનારી બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો હાજરી આપશે. ત્યારે આ સભામાં પાણી, તલાટીઓની હાજરી સહિતના મુદ્દે તડાપીટ બોલે તેવી સંભાવના છે. 33 સભ્યોના પ્રશ્નો આવ્યા જ નથી. જ્યારે વિપક્ષના સૌથી વધુ 14 પ્રશ્નો આવ્યા છે.
બેઠકમાં બજેટ અને પ્રશ્નોત્તરી કાર્યસુચિમાં અગ્રસ્થાને છે. શાસક અને વિપક્ષના બન્ને સભ્યો સાથે પ્રશ્નોત્તરી કરી વહીવટીતંત્રને ભીડવવાની તૈયારીમાં છે. કુલ 23 પ્રશ્નો આવ્યા છે. જેમાં ભાજપના વિરલ પનારાએ 4 પ્રશ્નો, દક્ષાબેન રાદડિયાએ 5 પ્રશ્નો અને વિપક્ષ કોંગ્રેસના સભ્ય મનસુખ સાકરિયાએ 14 પ્રશ્નો પૂછયા છે. મનસુખ સાકરિયાએ ખેતીના પાક માટે બજારમાં મળતી અમુક કેમિકલ પ્રોડક્ટથી ખેતીને નુકસાન થતું હોવાનું જણાવી તંત્રને આવી કોઈ ફરિયાદ મળી છે કે કેમ?,જિલ્લામાં આવી કેટલી કંપનીઓ છે ?, બિયારણ નકલી હોય તો શું કાયદાકીય જોગવાઈ છે? તે સહિતના પ્રશ્નો પુછયા છે. આ સિવાય જિલ્લાના આરોગ્યકેન્દ્રોમાં સ્ટાફની હાજરી પુરવા કેટલા ફેઈસ રિડર ચાલુ છે?, હાજરી નિયમિત છે કે કેમ? જુદા-જુદા વિભાગમાં કેટલા રૂપિયાની વસ્તુઓની ખરીદી કરવામાં આવી છે, વરસાદથી ખેતીને શું નુકસાન થયું છે? તે સહિતના પ્રશ્નો પુછયા છે.
વિરલ પનારાએ પંચાયતના કાર્યક્ષેત્રોમાં તલાટીની કેટલી જગ્યાઓ ખાલી છે ? કુપોષણનો પાઈલટ પ્રોજેકટ, સ્વભંડોળમાંથી સિંચાઈના કેટલા કામ થયા તે અંગે પણ પ્રશ્નો પૂછયા છે. દક્ષાબેન રાદડિયાએ ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ચૂકવાયેલા સબસીડી, સીસીટીવી અને એલઈડી લાઈટની ખરીદીમાં વિલંબ, અકસ્માત જૂથ વીમા યોજના,સ્ટેમ્પ ડયુટીની ગ્રાન્ટના કામો વગરેે બાબતે વહીવટી તંત્રને પ્રશ્નો પૂછયા છે. કારોબારીમાં મંજૂર થયેલા બજેટને બહાલી મળશે.