શહેર પોલીસ દ્વારા માથાભારે તત્વોની શાન ઠેકાણે લાવવા હાલમાં અભિયાન ચાલી રહ્યું છે અને તેમના ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે ત્યારે બીજીબાજુ મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા જ દબાણકારોને છાવરવામાં આવતા હોવાની વધુ એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં આજીનદીના કાંઠે મરચા પીઠની જગ્યાએ વર્ષોથી ધંધો કરતા 13 વેપારીઓની જગ્યા પર શેરડીના વેપારી, લીલા ઘાસના વેપારી અને ગાયના તબેલાવાળાએ દબાણ કરી લીધાની હકીકત પ્રકાશમાં આવી છે. આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરને વેપારીઓએ રજૂઆત કર્યા બાદ પણ દબાણશાખાના જવાબદાર અધિકારીઓ દબાણ દૂર કરવાના બદલે ત્યાં જઇ દબાણકારોનું ઠંડું પીને પરત આવતા રહેતા હોવાનો આક્ષેપ વેપારીઓએ કર્યો છે.
મરચા પીઠમાં 20 કરતા વધુ વર્ષોથી ધંધો કરતા અશ્વિનભાઇ, કાન્તાબેન દલવાડિયા, ઉષાબેન ગોસ્વામી, લક્ષ્મીબેન દાસભાઇ, સંગીતાબેન ગોસ્વામી સહિતના વેપારીઓએ જણાવ્યું હતું કે અમે દર વર્ષે આજી નદીના કાંઠે મરચા પીઠમાં 3 થી 5 મહિના સુધી મસાલાના વેપાર કરીએ છીએ અને મહાનગરપાલિકા આ જગ્યા અમને ભાડે આપે છે અને દસ બાય દસની જગ્યાનું દર મહિને રૂ.9500 ભાડું ઓફિશિયલી ચૂકવીએ છીએ. ગત વર્ષે અમે મહાનગરપાલિકાને રૂ.3.70 લાખનું ભાડુ ચુકવ્યું હતું. અમે આ વર્ષે પણ 15 દિવસ પહેલા ફોર્મ ભરીને મહાનગરપાલિકા પાસે જગ્યાની માગણી કરી હતી પરંતુ જગ્યા રોકાણ શાખાના અધિકારી અમને જગ્યા ફાળવતા નથી અને બહાના બનાવે છે. અમારી તપાસ મુજબ આ જગ્યા પર શેરડીના ધંધાર્થી, લીલાઘાસના વેપારી અને ગાય-ઘોડાના તબેલાવાળાએ દબાણ કરી લીધું છે. આથી આ અંગે મ્યુનિસિપલ કમિશનરે રજૂઆત કરી હતી અને તેમણે દબાણ દૂર કરવા સૂચના આપી હોવા છતાં દબાણ શાખાના અધિકારીઓ ત્યાં ચક્કર મારીને ઠંડું પીને જતા રહે છે અને દબાણકારો સામે કોઇ કાર્યવાહી કરતા નથી.