જસદણમાં મફતિયા પરામાં પોલીસ સ્ટેશન પાસે રહેતા 24 વર્ષિય પરિણીત યુવકે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું. યુવકના બે વર્ષ પહેલાં જ જૂનાગઢ ખાતે લગ્ન થયા હતા અને યુવકે ઘર કંકાસના લીધે આ પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું. આ આપઘાતના બનાવથી યુવકનાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું.
બનાવની જાણવા મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, જસદણમાં મફતિયા પરામાં રહેતા અને ગઢડીયા રોડ પર ચાની હોટલ ચલાવતા નિલેશ બાબુભાઈ કુકડીયા (ઉ. વ. 24) નામના યુવકે ગઈકાલે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. જેની જાણ યુવકનાં પરિવારને થતાં તાકીદે તેને સારવાર અર્થે જસદણ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેણે સારવાર દરમિયાન દમ તોડી દેતાં ગમગીની છવાઈ ગઈ હતી.
મૃતક યુવક જસદણમાં ગઢડીયા રોડ પર ચાની હોટલ ચલાવતો હતો. યુવક ત્રણ ભાઈઓમાં સૌથી નાનો હતો અને તેના બે વર્ષ પહેલાં જ જૂનાગઢ ખાતે લગ્ન થયા હતા. પરંતુ તેણે ગઈકાલે ઘર કંકાસથી કંટાળી જઈ પોતાના ઘરે જ ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું. હાલ જસદણ પોલીસે બનેલા આ બનાવ અંગે ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.