ગોંડલમાં ગાંધીનગરની ટીમે પકડેલ 21.75 લાખનું બાયો ડીઝલ સીલ મારેલી ટાંકી સહિત ચોરી થઈ ગયું છે. આ અંગે મામલતદારની ફરિયાદ પરથી ગોંડલ બી. ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનોનોંધ્યો છે.
ફરિયાદમાં ગોંડલ મામલતદાર દીપકભાઈ દીનકરરાય ભટ્ટએ જણાવ્યા મુજબ, તા-27/4/2024 રોજ નાયબ નીયામક (પેટ્રોલી યમ) તથા મદદનીશ નિયામક (ફેરણી), અન્ન અને નાગરીક પુરવઠા વિભાગ ગાંધીનગરની ટીમ દ્વારા આકસ્મીક ફેરણી કરતા ગોંડલ ઉમવાડા ચોકડી પાસે શિવ ગાંઠીયા રથની પાછળ, નેશનલ હાઇવે નંબર-27 ગોંડલ ખાતે સીમેન્ટના બ્લોકની ફોલ્ડીંગ દિવાલથી ઘેરાયેલા બંધ દરવાજા વાળા કમ્પાઉન્ડમાં બાયોડીઝલના નામે ભળતા પેટ્રોલીયમ જવલનશીલ પ્રવાહીનો જથ્થો મળી આવેલ. આ ભેળસેળ યુક્ત ઇંધણ ટ્રાન્સપોર્ટેશનમાં ફયુલ તરીકે ભરી આપી વેચાણકરાતું હતું.
દરોડો પાડતા કમ્પાઉન્ડની પાછળના ભાગમાં લોખંડની પતરાવાળા શટરની ડાબી બાજુમાં રાજ ખોડલ ટ્રેડ નામનુ બોર્ડ લગાવેલ હતું. બોર્ડમાં હરપાલસિંહ અને યુવરાજસિંહ એમ બે નામ અને તેમના ફોન નંબર લખેલ હતા.
ગાંધીનગરની ટીમ દ્વારા ફોન કરતા બંને ઇસમોએ ફોન ઉપાડેલ નહીં. જેથી ત્યાં 4 ટાંકીમાં જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહી આશરે 29,000 લીટર જેની કિંમત રૂ. 21,75,000 ગણી 4 ટાંકીઓ સીલ કરાઈ હતી.