રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે 100 કલાકમાં કુખ્યાત ગુનેગારોની યાદી તૈયાર કરવા આપેલી સૂચનાને પગલે રાજકોટ પોલીસે 756 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી દીધી છે અને પોલીસે એ યાદીમાં સંડોવાયેલા ગુનેગારો પૈકી કુખ્યાત રમાના જંગલેશ્વરમાં આવેલા મકાન પર બુલડોઝર ફેરવી દેતા ગુનેગારોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. શહેરના કુખ્યાત ગુનેગારો સામે આગામી દિવસોમાં ઝુંબેશ શરૂ કરવામાં આવશે અને ગણતરીની કલાકોમાં જ ભીસ્તીવાડના નામચીન માજિદ ભાણુનું ગેરકાયદે મકાન પણ ધરાશાયી કરી દેવાશે, પોલીસના ગુનેગારો સામેના આકરા વલણને લોકોએ બિરદાવ્યું હતું.
શહેરના જંગલેશ્વર વિસ્તારમાં બુધવારે સાંજે સાડાપાંચ વાગ્યે પોલીસના ધાડા ઉતરી પડ્યા હતા, આ વિસ્તારમાં અનેક ગુનેગારો રહેતા હોય કોઇ મોટી રેડ હશે તેવું ત્યાંના લોકો વિચારી રહ્યા હતા તે વખતે જ જેસીબી સાથે મહાનગરપાલિકાની ટીમ પહોંચી હતી તો સાથે પીજીવીસીએલનો સ્ટાફ પણ હાજર થઇ ગયો હતો. જંગલેશ્વર શેરી નં.6માં આવેલા કુખ્યાત રમાના પતિ જાવિદ જુણેજાએ બનાવેલા બે માળના મકાન પાસે જેસીબી ઊભું રહી ગયું હતું, બે માળના મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર ચાર ઓરડી અને ઉપરના માળે ચાર ઓરડી બનાવેલી હતી અને તે તમામમાં ભાડુઆતો રહેતા હતા, પોલીસે ભાડુઆતોને બહાર કાઢ્યા હતા, પીજીવીસીએલની ટીમે વીજ કનેક્શન કાપી નાખ્યું હતું, અને તે સાથે જ મહાનગરપાલિકાની ટીમના સભ્યો મકાનની અગાસી પર પહોંચી ઘણ મારવા લાગ્યા હતા, મકાનને ખોખલું કર્યા બાદ જેસીબીએ પળવારમાં જ મકાનને ધરાશાયી કરી દીધું હતું.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, છ મહિના પહેલા એસઓજીની ટીમે દરોડો પાડી આ મકાનમાંથી 51 કિલો ગાંજા સાથે જાવિદ જુણેજા અને તેના સાગરીતોને પકડ્યા હતા અને તે તમામ આરોપીઓ આજે જેલમાં છે, રમા અને તેના પતિ જાવિદનું પોલીસના હિટલિસ્ટમાં નામ આવતા જ પોલીસે મંગળવારે મહાનગરપાલિકાને જાણ કરી ડિમોલિશનની નોટિસ આપવા કહ્યું હતું, મનપાએ મંગળવારે વધુ એક વખત નોટિસ આપી હતી અને બુધવારે પોલીસે રમાના પતિ જાવિદ જુણેજાના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફેરવી દીધું હતું.