રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાન 36થી 38 ડિગ્રી આસપાસ રહેતા લોકોને ગરમીમાં આંશિક રાહત મળી છે. હજુ આગામી બે-ત્રણ દિવસ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર નહીં થવાના હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે પરંતુ ત્યારબાદ ઉત્તર-પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેના કારણે ગરમી અને તાપમાનમાં પણ વધારો થવાની સંભાવના છે. આ દિવસો દરમિયાન તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. બુધવારે રાજકોટનું મહત્તમ તાપમાન 37.7 ડિગ્રી રહ્યું હતું જે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ હતું.
રાજ્યમાં હાલમાં તમામ જિલ્લાઓનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું નોંધાઈ રહ્યું છે પરંતુ, ત્રણ દિવસ બાદ જે પ્રકારે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસના વધારાની આગાહી વ્યક્ત કરી છે, તે રીતે 40 ડિગ્રી કે તેનાથી પણ વધુ મહત્તમ તાપમાન કેટલાક જિલ્લાઓનું થઈ શકે છે. હાલમાં પશ્ચિમ તથા ઉત્તર-પશ્ચિમ દિશા તરફથી પવન આવી રહ્યા છે, જેથી આગામી ત્રણ દિવસ તાપમાનમાં મોટા ફેરફાર થશે નહીં પરંતુ, ત્યારબાદ ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર દિશા તરફથી પવનો ફૂંકાશે, જે ગરમ રહેશે તેને કારણે મહત્તમ અને લઘુત્તમ તાપમાન વધશે. હવામાન વિભાગે આજે રાજકોટ અને આસપાસના વિસ્તારમાં વાતાવરણ શુષ્ક રહેવાની સાથે તાપમાન 37 ડિગ્રી રહેવાની આગાહી કરી છે.