રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ અત્યાર સુધી ગ્રામ્યમાં 1.20 લાખ શહેરમાં 1.50 લાખની આવક મર્યાદા ધરાવતા ગરીબ અને મધ્યમવર્ગના વાલીઓ ધો.1માં મફત શિક્ષણ માટે ફોર્મ ભરતા હતા. પરંતુ તાજેતરમાં જ શિક્ષણ વિભાગે આવકની મર્યાદા ગ્રામ્ય અને શહેરમાં બંનેમાં વધારીને રૂ.6 લાખ સુધીની કરી દીધી, એટલે કે હવે મહિને રૂ.50 હજારની આવક ધરાવતા વાલીઓ પણ RTEમાં પ્રવેશ લઇ શકશે, તેના માટે ફોર્મ ભરવાની મુદ્દતમાં પણ વધારો કરીને 15 એપ્રિલ સુધી વધારવામાં આવી છે. આવક મર્યાદા વધારતા હવે ફોર્મ ભરનાર વાલીઓની સંખ્યા પણ વધશે,
આ વર્ષે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ રાજકોટ શહેર અને ગ્રામ્યના બંનેના અંદાજિત 50 હજાર ફોર્મ ભરાઈ શકે છે, જ્યારે શહેરમાં બેઠક 4445 અને ગ્રામ્યમાં 2187 સહિત કુલ 6632 છે. RTEમાં એડમિશન લેવા માટે હવે 1 સીટ વચ્ચે 7 વિદ્યાર્થી વચ્ચ સ્પર્ધા થશે તેવી સ્થિતિ સર્જાઈ છે.
ગુજરાતમાં ગરીબ અને ઓછી આવક ધરાવતા પરિવારોના બાળકો અત્યાર સુધી આરટીઈ હેઠળ પ્રવેશ મેળવી અભ્યાસ કરી રહ્યાં છે. હવે આ કાયદાનો લાભ વધુ લોકોને મળે તે માટે આવકની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ખાનગી અને વિશેષ શ્રેણીની શાળાઓએ પણ આર્થિક રીતે નબળા સમુદાયના બાળકો માટે ધોરણ- 1 માં 25% બેઠકો અનામત રાખવાની રહેશે. કોઈપણ બાળકને કોઈપણ વર્ગમાં પ્રવેશ લેતા અટકાવવામાં આવશે નહીં કે તેને શાળામાંથી કાઢી મુકવામાં આવશે નહીં. આ કાયદાનો ઉદ્દેશ્ય 6 થી 14 વર્ષની વયના દરેક બાળકને મફત પ્રાથમિક શિક્ષણ આપવાનો છે.