રાજકોટનાં હરિધવા મેઈન રોડ ઉપર નવનીત હોલવાળી શેરીમાં મોરારિ- 3માં મા મસાણી મકાનમાં રહેતો ભૂવો મહેશ મનજી વાળા છેલ્લાં 10 વર્ષથી લોકોનાં દુઃખ દર્દ મટાડવાના નામે રૂ.5100થી 35000 સુધીની ફી વસૂલી છેતરપિંડી કરતો હતો. જેનો પર્દાફાશ કરવા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા સહિતની ટીમે મેટોડામાં છટકું ગોઠવ્યું હતું. જ્યાં પતિ-પત્નીના ઝઘડાની સમસ્યા દૂર કરવા ભૂવાને બેઠક માટે બોલાવવામાં આવ્યો. ત્યાર બાદ રંગેહાથ ઝડપી લીધો હતો. ઉલ્લેખનીય છે કે અત્યારસુધીમાં જાથાએ 1264મું ધતિંગ ખુલ્લું પાડ્યું છે.
ઘટના અંગે અગાઉથી જાણ કરેલી હોવાથી મેટોડા પોલીસમથકનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો અને ભૂવા ઉપરાંત તેની સાથેના ચાર સાગરીતોને મેટોડા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. અહીં ભૂવાએ કબૂલાત આપી હતી કે, લોકોનાં દુઃખ-દર્દ દૂર કરવા માટે દોરા કરવાના નામે રૂ. 5100ની ફી વસૂલતો હતો. જોકે હવે આ તમામ પ્રવૃત્તિ બંધ કરી લોકોની માફી માગું છું. આ વચ્ચે ભૂવાનો એક અશ્લીલ વીડિયો પણ સામે આવ્યો છે.
આ મામલે ફરિયાદી દર્શના મારડિયાએ જણાવ્યું હતું કે, રાજકોટના રામ પાર્ક શેરી નંબર 2માં રહીએ છીએ. પતિનો કડિયા કામનો ધંધો બરોબર ચાલતો ન હોવાથી ભૂવા મહેશ વાળાનો સંપર્ક કર્યો હતો, જેની ફી રૂપિયા 5100 હતી. તમને અલગ-અલગ પ્રકારની તકલીફો છે, તેવું કહી આ ભૂવાએ અમારી પાસેથી રૂપિયા 45000 પડાવ્યા છે. અમે અમારી એક રિક્ષા વેચીને પૈસા આપેલા છે. આ સાથે વ્યાજના ચક્રમાં પણ ફસાઈ ગયા છીએ. પૈસા પરત માગવા જઈએ તો ધમકી આપવામાં આવતી કે, તમારે જ્યાં ફરિયાદ કરવી હોય એ કરી લો અને કેસ કરવો હોય તોપણ કરી લો. જેથી આ પ્રકારના ભૂવાથી દૂર રહેવું જોઈએ, એવી અમારી લોકોને અપીલ છે.